બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક માટે ઉમેદવારી પાછી ખેંચવાનો બુધવારે છેલ્લો દિવસ છે. એ પછી આ બેઠક ઉપર કોની-કોની વચ્ચે ચૂંટણીજંગ જામશે, તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
દિવાળીના તહેવારો બાદ અહીં તા. 13મી નવેમ્બરે ચૂંટણી યોજાશે અને તા. 23 નવેમ્બરના ચૂંટણી પરિણામો જાહેર થશે.
વાવની પેટાચૂંટણી માટે ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે, તો કૉંગ્રેસે ગુલાબસિંહ રાજપૂત ઉપર વિશ્વાસ મૂક્યો છે.
સ્વરૂપજી ઠાકોર ગત વિધાનસભા ચૂંટણી સમયે ગેનીબહેન સામે હારી ગયા હતા. સ્વરૂપજી ઠાકોર સમાજના છે, જે સંખ્યાબળની દૃષ્ટિએ આ બેઠક ઉપર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ગુલાબસિંહ રાજપૂત અવિભાજિત વાવ-થરાદ બેઠક ઉપરથી વિજેતા રહ્યા છે. ગુલાબસિંહ રાજપૂત સમાજના છે.
જોકે, અપક્ષો બંને રાષ્ટ્રીયપક્ષનું ગણિત બગાડી શકે છે. અગાઉ આમ આદમી પાર્ટીએ આ બેઠક પર ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી હતી.
ચૌધરી સમાજના માવજીભાઈ પટેલે અપક્ષ ઉમેદવારી કરી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, મંગળવારે રાત્રે ભાભર ખાતે ચૌધરી સમાજનું સંમેલન મળ્યું હતું, જેમાં માવજીભાઈને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.
સમાજના અન્ય એક અપક્ષ ઉમેદવારે તેમના સમર્થનમાં ખસી જવાની જાહેરાત કરી છે. ભાજપ તેના વિજય માટે ચૌધરી સમાજના મતો ઉપર મદાર રાખી રહ્યો હતો.
ભાજપે તેમને તેમને મનાવવા માટે નેતાઓને દોડાવ્યા હતા, પરંતુ તેઓ સફળ થયા છે કે નહીં, તે બુધવારે સાંજે પાંચ વાગ્યા પછી જ ખબર પડશે.
બનાસકાંઠા બેઠક પરથી કૉંગ્રેસનાં સંસદસભ્ય ગેનીબહેન ઠાકોરના પારિવારિક કાકા ભુરાજી ઠાકોર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીજંગમાં ઊતર્યા છે.
કૉંગ્રેસનાં ગેનીબહેન ઠાકોર આ બેઠક ઉપરથી ધારાસભ્ય ચૂંટાઈ આવ્યાં હતાં, લોકસભાની ચૂંટણી બાદ તેઓ બનાસકાંઠાની બેઠક ઉપરથી સંસદસભ્ય બન્યાં હતાં.
નિયમ પ્રમાણે, તેઓ બંને પદ ધારણ કરી શકે તેમ ન હોવાથી તેમણે ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું અને પેટાચૂંટણી યોજાવાની જરૂર ઊભી થઈ હતી.
ગેનીબહેનના વિજયને કારણે ભાજપ ગુજરાતમાં સતત ત્રીજી વખત 'તમામ 26' બેઠક જીતવાનો રેકૉર્ડ બનાવવાથી વંચિત રહી ગયો હતો.