સેક્સકાંડ બાબતે તીખી પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે આરએસએસના પ્રચારકો દેશ સેવાના નામે અપરિણીત રહે છે, પણ તેઓ સંસ્કારને કુસંસ્કારમાં ફેરવે છે અને સત્તાના નશામાં સુંદરી, શબાબ અને કબાબના શોખીનો એવી કાળજી રાખે છે કે કબાબમાં કોઇ હડ્ડી ન બને અને બહેન-દીકરીઓની આબરૂને લીલીમ કરવા માટે પક્ષની આબરૂની પણ મર્યાદા રાખતા નથી. શંકરસિંહના દાવાને પડકારતા સરકારના પ્રવકત્તા મંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે શંકરસિંહ વાઘેલા પાસે સીડી હોય તો જાહેર કરે. આવા એક ડઝન ભાજપના નેતાઓના સેક્સકાંડની સીડી મારી પાસે પડી છે તેવો હુંકાર વાઘેલાએ કર્યો હતો.
જ્યારે તેમના દાવાને પડકારતા મંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે શંકરસિંહ વાઘેલા પાસે સીડી હોય તો જાહેર કરે. જો કે વાતને વાળી લેતા વાઘેલાએ કહ્યું હતું કે હું સંડોવાયેલાઓના નામ જાહેર કરતો નથી, કારણ કે હું કોઇના ચારિત્ર્ય હનનમાં માનતો નથી. નલિયા સેક્સકાંડને લક્ષ્ય બનાવીને ભાજપના સેક્સકાંડને રજૂ કરતા વાઘેલાએ કહ્યું હતું કે બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન એવું કહેતા હતા કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા.
નલિયાકાંડને લઇને શંકરસિંહે સરકાર પર પ્રહારો કર્યા હતા અને વહીવટની ઝાટકણી કાઢી. હવે એમ કહેવડાવવું પડશે કે નલિયા નહીં દેખા તો કુછ નહીં દેખા’ વાઘેલાએ એવો આક્ષેપ કર્યો હતો કે કચ્છમાં તંબૂઓ બનાવીને એક આર્કિટેક્ટ દીકરીને મંત્રીઓના નિવાસ સ્થાનમાં પાછલા બારણે લઇ ગયા હતા.
આ દીકરી કોઇ ધડાકો ન કરે એટલે ‘ ઇચ્છે છે કે આ છોકરી કયાં જાય છે . તેની તમામ વિગતો મને મોકલતા રહેજો’ તેવી જાસૂસી તત્કાલીન ગૃહમંત્રીએ કરાવી હતી. વાઘેલાએ આ ‘સાહેબ’એટલે કોણ તેવો વેધક પ્રશ્ન રજૂ કરીને વાંડ જ ચીંભડા ગળે તેવી સ્થિતિ સર્જાઇ હોવાનો આક્ષેપ કર્યો હતો.વાઘેલાએ ભાજપના કેન્દ્રીય મંત્રી ઉમાભારતીએ તાજેતરમાં યુપીની સભામાં બળાત્કારીઓના ચામડા ઉતારી નાખવા જોઇએ તેવી ટિપ્પણી કરી રજૂ કરીને ભાજપના બાબુલાલ ગોરથી લઇને પાટણ પીટીસીકાંડ સહિતની ઘટનાઓમાં સંડોવાયેલા ભાજપના નેતાઓની યાદી રજૂ કરી હતી.
વાઘેલાએ 8મી માર્ચે મળનારા મહિલા સરપંચના સંમેલનમાં નલિયાકાંડને ધ્યાનમાં રાખીને ભાજપના આઇકાર્ડ ન લેવા મહિલા સરપંચોને અપીલ કરી હતી.વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના જવાબ આપતા નીતિન પટેલે કહ્યું હતું કે વિપક્ષી નેતા વાઘેલા પાસે કોઇ નક્કર પુરાવા હોય તો રજૂ કરે, રાજ્ય સરકારની એમને ખુલ્લી ચેલેન્જ છે કે કોઇપણ વ્યક્તિ હશે તેને સરકાર છોડશે નહીં. વિપક્ષ ઘટનાને રાજકીય સ્વરૂપ આપીને બદનામ કરે છે.