Publish Date: Thu, 27 Aug 2026 (12:04 IST)
Updated Date: Thu, 27 Aug 2026 (12:22 IST)
vadodara mumbai express way
અમદાવાદ-મુંબઈ વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેનના પ્રથમ તબક્કા પહેલાં જ વાહનચાલકો માટે એક ખુશખબર આવી છે. દેશના સૌથી મોટા અને મહત્વાકાંક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં સામેલ વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે 31 ઓગસ્ટ, 2026 સુધીમાં વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકાય તેવી પ્રબળ શક્યતા છે. આ નવો રૂટ શરૂ થવાથી ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેનો રસ્તા માર્ગ વધુ ઝડપી અને સુવિધાસભર બની જશે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું મહત્વનું નિવેદન
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે રાજ્યમાં આવતો 157 કિલોમીટરનો સમગ્ર હિસ્સો 31 ઓગસ્ટ સુધીમાં ટ્રાફિક માટે તૈયાર કરી દેવાની યોજના છે. આશરે રૂ. 24,000 કરોડના ખર્ચે બની રહેલા આ સેક્શનમાં સાતમાંથી પાંચ કન્સ્ટ્રક્શન પેકેજનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને બાકીના બે પેકેજ આખરી તબક્કામાં છે.
મુસાફરીનો સમય અડધો થશે
આ એક્સપ્રેસ વે ચાલુ થતાં જ વડોદરાથી મુંબઈ વચ્ચેનું 403 કિલોમીટરનું અંતર કાપવામાં હવે માત્ર 4 કલાક જેટલો સમય લાગશે. અત્યાર સુધી આ જ અંતર કાપવા માટે મુસાફરોને 8 કલાક જેટલો સમય વિતાવવો પડતો હતો. પ્રવાસનો સમય અડધો થઈ જવાથી મુસાફરોની સુવિધા વધશે અને ઈંધણની પણ મોટી બચત થશે.
વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ
1,400 કિલોમીટર લાંબો દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાય છે, જે દેશના પાંચ રાજ્યોને આપસમાં જોડે છે. આ વિશાળ કૉરિડોરનો ભાગ એવો વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે કાર્યરત થતાંની સાથે જ ઉત્તર અને પશ્ચિમ ભારત વચ્ચેનો વેપાર, ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ વ્યવસાય વધુ ઝડપી બનશે.