ઓનલાઈન વસ્તુઓનું વેચાણ કરતી કંપનીમાં ભાગીદાર બનાવી 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ થકી 13.50 લાખ પડાવીને 13.23 લાખની છેતરપિંડીની ફરિયાદ વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના મીરા ચાર રસ્તા નજીક રહેતા અલ્કેશભાઇ પ્રજાપતિ અને તેમના પત્ની હરણી રોડ પર આવેલા વૃંદાવન ટાઉનશીપમાં આર્ટીકલ અને રેડીમેડ ગારમેન્ટની અલગ-અલગ દુકાન ધરાવે છે વર્ષ-2011 દરમિયાન મિત્ર થકી રાકેશભાઈ અંબાલાલ પટેલ સાથે પરિચય થયો હતો, જે દરમિયાન તેઓએ રિજોઇસ વાઈબ્સ નામની ઈ-કોમર્સ ઓનલાઈન વિવિધ વસ્તુઓના વેચાણ વ્યવસાય સાથે જોડાયેલી કંપનીમાં ભાગીદારીની ઓફર કરી હતી. ત્યાર બાદ ફરિયાદીએ 1.50 લાખનું રોકાણ કર્યું હતું. રાકેશભાઇએ કંપનીમાં નાણાંની જરૂરિયાત હોવાનું જણાવી વધુ 12 લાખ રૂપિયાની માંગ કરતા કુલ 13.50 લાખ રૂપિયા ચુકવ્યા હતા. જે અંગે 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર સમજૂતી કરાર પણ કર્યો હતો.વિશ્વાસ કેળવવા રાકેશભાઇએ કંપનીના રૂપિયા 5 લાખ તથા રૂપિયા 3.50 લાખના બે એકાઉન્ટ પે ચેક નોટરી સમક્ષ આપ્યા હતા, જે રિર્ટન થયા હતા. વારસિયા પોલીસે ફરિયાદના આધારે રાકેશભાઈ વિરૂદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.