18 થી 44 વર્ષની વય જુથના યુવાનોના વેક્સિનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં 23,63,254 યુવાનોએ કોવિડ વેક્સિન લઈ લીધી છે. આજે એક જ દિવસમાં 2,63,507 યુવાનોએ વેક્સિન લીધી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાને નિયંત્રણમાં લાવવા વધુમાં વધુ યુવાનો ઝડપથી વેક્સિન લે એવી વ્યવસ્થા કરવા તંત્રને આદેશો આપ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, યુવાનોને વિનામૂલ્યે વેક્સિન આપવા પૂરતું નાણાંકીય આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં યુવાનોના વિનામૂલ્યે વેક્સિનેશન માટે રાજ્ય સરકારે રૂપિયા 93.15 કરોડનો ખર્ચ કર્યો છે, અને આવનારા દિવસોમાં ગુજરાતને જરૂરી માત્રામાં વેક્સિન ઉપલબ્ધ થાય એ રીતે સમયબદ્ધ આયોજન કરીને વેક્સિન ઉત્પાદકોને વેક્સિનના 3 કરોડ ડોઝનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે.સમગ્ર દેશમાં ગુજરાત વેક્સિનેશન માટે આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યું છે. તા.1લી મેથી જ 18 થી 44 વર્ષની વય જૂથમાં વેક્સિનેશનનો આરંભ કરનાર ગુજરાતમાં અત્યાર સુધીમાં 23 લાખથી વધુ યુવાનોનું વેક્સિનેશન કરાયું છે. રસીકરણમાં વેગ આવે એ હેતુથી 4 જૂનથી તમામ જિલ્લાઓમાં યુવાનોના વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે. 4થી જૂને રાજ્યમાં 1,92,692 યુવાનોએ વેક્સિન લીધી, તે પૈકી મહાનગરપાલિકા વિસ્તારોમાં 81,459 યુવાનોએ વેક્સિન લીધી. જ્યારે જિલ્લાઓમાં 1,11,233 યુવાનોએ વેક્સિન લીધી છે.આજે 5મી જૂને, એક દિવસમાં ગુજરાતમાં 2,63,507 યુવાનોએ વેક્સિન લીધી છે. તે પૈકી મહાનગરપાલિકા વિસ્તારોમાં 79,896 યુવાનોએ વેક્સિન લીધી. જ્યારે જિલ્લાઓમાં 1,98,123 યુવાનોએ વેક્સિન લીધી છે.