સુરતમાં એડવોકેટ મેહુલ બોઘરા દ્વારા ટીઆરબીના સુપરવાઈઝર સાજન ભરવાડ અને અન્ય મળતીયાઓ ખુલ્લેઆમ પૈસાની ઉઘરાણી કરતા હોવાનો વીડિયો વાઇરલ કરવાના મુદ્દે સામસામે ફરિયાદ નોંધાય છે. વકીલ મેહુલ બોઘરાને મારનાર આરોપી સાજન ભરવાડને કોર્ટમાં હાજર કરાતા વકીલોએ તેને મારવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈને થોડા સમય માટે વાતાવરણ ઉગ્ર બન્યું હતું.
હાલ તો સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.બે દિવસ પહેલાં સરથાણા કેનાલ રોડ પર લસકાણા ચોકીથી 50 મીટરના અંતરે વકીલ મેહુલ બોઘરા પર ટીઆરબીના સુપરવાઇઝર સાજન ભરવાડે જીવલેણ હુમલો કર્યો હતો. મેહુલને બાતમી મળી હતી કે અહીં ટ્રાફિક પોલીસ અને ટીઆરબી રિક્ષાચાલકો પાસે તોડ કરે છે. ઘટના સ્થળે પહોંચેલા વકીલે હપ્તાખોરીને સોશિયલ મીડિયા પર લાઇવ કરતાં ઉશ્કેરાયેલા સાજને 15 દંડા ફટકારી માર માર્યો હતો. વકીલને લોહીલુહાણ હાલતમાં સ્મીમેર લઇ જવાયા હતા.
એએસઆઇ અરવિંદ ગામીતે વકીલ વિરુદ્ધ ફરજમાં રૂકાવટ અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ સાજન ભરવાડ, 3 પોલીકર્મી તથા અન્ય 3 સામે આઇપીસી 302 (હત્યાનો પ્રયાસ)નો ગુનો નોંધાયો છે.સાજન ભરવાડે વકીલ મેહુલને માર મરાતા લોહીલુહાણ સ્થિતિમાં હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જેને લઇને સાજન ભરવાડ સહિતના કર્મચારીઓની ભારે નિંદા થઈ રહી હતી. સોશિયલ મીડિયા ઉપર પણ ટ્રાફિક પોલીસને લઈને ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. કોર્ટ સંકુલમાં વકીલોની સામે રબારી સમાજના પણ યુવકો મોટી સંખ્યામાં હાજર રહેતા તણાવ જોવા મળ્યો હતો. સાજન ભરવાડ પર વકીલો ધસી જતા બાબલો બિચક્યો હતો.