યુજીસી માન્ય ખાનગી યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આડેધડ ફી ઉઘરાવવા સામે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. અરજીમાં એવી રજુઆત કરાઇ છે કે, યુજીસી માન્ય ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા જે સેમિસ્ટરમાં ભણાવ્યુ જ નથી તેની પણ ફી ઉઘરાવવામાં આવી રહી છે. કોવિડને લીધે વાલીઓના કામધંધાને અસર થઇ છે તેમની આર્થિક સ્થિતિ કથળી છે છતાં પણ યુનિવર્સિટી દ્વારા પુરી ફી ચૂકવી દેવા ધમકી આપવામાં આવી રહી છે. એટલું જ નહીં ફી મોડી ભરશે તો પેનલ્ટી પણ ચૂકવવી પડશે તેવી ધમકી આપવામાં આવી રહી છે. આ અંગે ચીફ જસ્ટિસ વિક્રમનાથની ખંડપીઠે યુજીસી અને ફી રેગ્યુલેટરી કમિટિને નોટિસ પાઠવીને વધુ સુનાવણી 4થી સપ્ટેમ્બર પર મુલતવી રાખી છે. બ્રીજ ફોરમ ફોર ઓલ નામની સ્વૈચ્છિક સંસ્થા વતી એડવોકેટ રોનિથ જોયે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરી છે. તેમા એવી દલીલ કરી હતી કે, યુજીસી માન્ય કોલેજો વિદ્યાર્થીઓ પાસેથી લાયબ્રેરી ફી, કોમ્પ્યુટર ફી, આઇ.ટી ફી વગેરે જુદા જુદા મથાળા હેઠળ ફી માગી રહી છે.