છેલ્લા સવાથી દોઢ વર્ષથી શાળાઓ ચાલુ થઈ શકી નથી, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ચ્યુઅલ સમારોહ યોજીને ગુજરાતની 53,029 આંગણવાડીઓના 14 લાખથી વધુ બાળકોને યુનિફોર્મનું વિતરણ કર્યું હતું. જે યુનિફોર્મ પહેરાવાના જ નથી તેનું વિતરણ કરીને ભાજપ સરકાર દ્વારા રીતસર કૌભાંડ જ આચરવામાં આવ્યું હોવાનું જણાઈ રહ્યું છે. તેમ છતાંય દાવો કરવામાં આવી રહ્યો છે કે આંગણવાડીના બાળકોને મફતમાં યુનિફોર્મ આપનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
કોરોનાની બીજીલહેરની સમાપ્તિ હજી થઈ નથી. શાળાઓ કે કૉલેજો ચાલુ કરી શકાઈ નથી. પ્રાથમિક શાળાના કે કે.જી.ના બાળકોને પણ શાળામાં બોલાવી શકાય તેવી સ્થિતિ હજી ઊભી થઈ જ નથી. તેમ છતાંય આંગણવાડીના બાળકોને રૂા. 36 કરોડના ખર્ચે 14 લાખ યુનિફોર્મના વિતરણની જાહેરાત કરવામાં આવી છે.આ સાથે જ દરેક બાળકને યુનિફોર્મ થકી એક સમાન સ્તરે લાવી દેવાનો દાવો પણ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના મહિલા અને બાળક વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીના બાળકોને બે યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. મફત યુનિફોર્મનું વિતરણ કરવા માટે રૂા. 36.28 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ અગાઉ આંગણવાડીના બાળકોનો પોષણયુક્ત આહાર મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા પગલાં લેવામાં આવ્યા હતા. આંગણવાડીના બાળકોને પોષણયુક્ત આહાર આપવાની સૂચના જે તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી હતી. તેમને માટે સારી માળખાકીય સુવિધા ઊભી કરવાની ઇચ્છા પણ તેમણે વ્યક્ત કરી હતી.