બંને વિદ્યાર્થીઓના પિતા ટેક્સટાઇલના ઉદ્યોગ સાથે જોડાયેલા છે
બંને ભાઈના પરિણામથી પરિવાર સહિત શાળામાં પણ ખુશીનો માહોલ
સુરતઃ ધોરણ 10નું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. આ વખતે સુરતે મેદાન માર્યું છે. સુરતમાં એક જ સ્કૂલમાં અભ્યાસ કરતાં બે જુડવા ભાઈઓએ તમામ લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. બંને ભાઈઓને એક સરખા માર્ક આવ્યાં છે. સુરતની ભક્તિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણતા બે જુડવા ભાઈ રૂદ્ર અને રૂત્વને 600માંથી 570 માર્ક અને 95.50 ટકા આવ્યાં છે.
ભવિષ્યમાં કોમ્પ્યુટર ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે
સુરત શહેરમાં આવેલી ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના બે વિદ્યાર્થીઓએ પરિવાર સાથે શાળાનું ગૌરવ વધાર્યું છે. ટેક્સટાઇલના વેપાર સાથે જોડાયેલા પરિવારના બંને ભાઈઓ જુડવા છે અને એક સાથે એક જ સ્કૂલમાં એક જ ક્લાસમાં અભ્યાસ કરતા હતા. આખું વર્ષ ધોરણ 10ની પરીક્ષા માટે જે પ્રકારે તેમને મહેનત કરી હતી તેને લઈને તેમનું પરિણામ એ ગ્રેડમાં આવ્યું છે. મોબાઇલની દુનિયાથી દૂર રહી માત્ર અભ્યાસ તરફ ધ્યાન આપતા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં કોમ્પ્યુટર ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે.
પરિણામ લાવીને તમામ લોકોને ચોંકાવી દીધા
ત્યારે આ બંને ભાઈઓ દેખાવે એક સરખા જ છે.કપડા પણ એક સરખા પહેરે છે. આજે જ્યારે તેમનું પરિણામ આવ્યું ત્યારે પરિણામ પણ એક સરખું આવ્યું છે.આ પરિણામ અવતાની સાથે પરિવારમાં તો ખુશી છે સાથે સાથે શાળામાં પણ ખુશીનો માહોલ છે. કારણ કે બંને ભાઈઓ એક જ ક્લાસમાં એક જ બેંચ પર બેસીને જે રીતે રિવિઝન કર્યું હતું એક જ સાથે એકબીજાના પ્રશ્નો સોલ્વ કરીને પરિણામ લાવીને તમામ લોકોને ચોંકાવી દીધા હતા