વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં સીટો ઘટાડવાના આંદોલન વચ્ચે આજે બે વિદ્યાર્થી સંગઠનો આમને સામને આવી ગયા હતા અને બંને જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારીથી ભારે દોડધામ મચી ગઈ હતી. મળતી વિગતો પ્રમાણે એફવાયબીકોમની બેઠકો ઘટાડવાના મુદ્દે કોમર્સના વિદ્યાર્થી સંગઠનો ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન અને ઓલ ગુજરાત સ્ટુડન્ટ ગ્રુપ આંદોલન કરી રહ્યા છે.
આજે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા બેઠકો ઘટાડવાના વિરોધમાં મહાભારતનુ નાટક ભજવવામાં આવ્યુ હતુ. જોકે તેની થોડી મિનિટો બાદ ખરેખર જ બે જૂથો વચ્ચે મહાભારત સર્જાયુ હતુ. એજીએસયુ સંગઠન સાથે સંકળાયેલી વિદ્યાર્થિનીએ એજીએસજીના એક વિદ્યાર્થી પર છેડતી કરવાનો અને કોમેન્ટ પાસ કરવાનો આરોપ મુકીને લાફો મારી દેતા હોહા થઈ ગઈ હતી.એ પછી બંને જૂથના વિદ્યાર્થીઓ આમને સામને આવી ગયા હતા અને છુટ્ટા હાથની મારામારીના પગલે નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. મારામારી દરમિયાન એક વિદ્યાર્થીને ઈજા પણ પહોંચી હતી. દરમિયાન યુનિવર્સિટીની સિક્યુરિટી અને પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. એ પછી બંને જૂથો પોલીસ મથકે પણ પહોંચ્યા હતા. જ્યાં પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ હોવાનુ જાણવા મળ્યુ છે.