અમદાવાદઃ અમદાવાદમાં અકસ્માતના બનાવો વધી રહ્યાં છે. રસ્તો ક્રોસ કરતાં રાહદારીઓને અડફેટે લઈ લેવાના કિસ્સા પણ સામે આવી રહ્યાં છે. ગઈકાલે અમદાવાદમાં દિલ્હીથી આવેલા એક વૃદ્ધ રસ્તો ક્રોસ કરતાં હતાં અને ટેમ્પો ચાલકે અટફેટે લેતાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે આજે નરોડા ફ્રૂટ માર્કેટની સામે ચાલીને રસ્તો ક્રોસ કરતાં યુવકને રિક્ષા ચાલકે અડફેટે લેતાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
યુવકને ગંભીર ઈજા પહોંચતાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો
અમદાવાદમાં બે દિવસમાં વાહનની અડફેટે આવતાં બે વ્યક્તિઓના મોત નિપજ્યાં છે. ગઈકાલે નારોલ વિસ્તારમાં દિલ્હીથી આવેલા એક વૃદ્ધને ટેમ્પો ચાલકે અડફેટે લેતાં તેમનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે આજે નરોડા ફાયર સ્ટેશન તરફથી પુરઝડપે આવી રહેલી રિક્ષાએ નરોડા ફ્રૂટ માર્કેટની સામેની સાઈડે રસ્તો ક્રોસ કરતાં યુવકને અડફેટે લીધો હતો. આ યુવકને ગંભીર ઈજા પહોંચતાં 108 મારફતે અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
માથાના ભાગમાં ઈજા પહોંચી હતી
મૃતક યુવક ધનરાજ યાદવની પત્ની વિમળાબેને ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે, તે ઘરેથી વસ્ત્રાપુર બંગ્લાનું કામ કરવા માટે ગયાં હતાં અને તેમની બંને દીકરીઓ ઘરે એકલી હતી. આ દરમિયાન તેના પાડોશીએ કહ્યું હતું કે, પોલીસ આપણી ચાલીમાં તપાસ માટે આવી છે અને ધનરાજને નરોડામાં અકસ્માત થયો હોવાથી તેને અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હોવાની વાત કરે છે. ત્યાર બાદ તે ઘરે પહોંચી હતી અને ત્યાંથી સિવિલ હોસ્પિટલ ગઈ હતી. જ્યાં તેના પતિને માથાના ભાગમાં ઈજા પહોંચી હતી. જેમનું સારવાર બાદ મરણ થયું હતું. જેથી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી હતી. મૃતક ધનરાજને બે દીકરીઓ છે