અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આવતા મહિનાની ગુજરાત મુલાકાતને સતાવાર સમર્થન આપતાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ આવતા મહીને ગુજરાત આવી સાબરમતી રિવરફ્રંટની મુલાકાત લેશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે આવેલા રૂપાણીએ શાસ્ત્રીનગરમાં એક જાહેરસભામાં ટ્રમ્પની મુલાકાતને સમર્થન આપતા રૂપાણીએ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના કામકાજની પ્રશંસા કરી હતી. સાબરમતી રિવરફ્રન્ટના નિર્માણનો યશ મોદીને આપતા રૂપાણીએ જણાવ્યું હતું કે, મોદીઅ સાબરમતીને એશિયામાં સૌથી સ્વચ્છ નદી બનાવી છે. જાપાન અને ઈઝરાયેલના વડાપ્રધાન રિવરફ્રન્ટની મુલાકાત લઈ આશ્ચર્ય પામ્યા હતા. અમેરિકી પ્રમુખ ટ્રમ્પ પણ ફેબ્રુઆરીમાં આવી રહ્યા છે તે પણ રિવરફ્રન્ટની મુલાકાત લેશે.સાબરમતી રિવરફ્રન્ટ વડાપ્રધાન મોદીની પસંદગીનું સ્થળ છે. ભૂતકાળમાં તેમણે ચીનના પ્રમુખ શિ જિનપિંગ, જાપાની વડાપ્રધાન શિન્ઝો એબે અને ઈઝરાયેલી વડાપ્રધાન નેતાનયાહુની રિવરફ્રન્ટ ખાતે યજમાની કરી હતી. અમદાવાદની મુલાકાત વિષે ભારત સરકારે કોઈ સતાવાર સમર્થન કર્યું નથી, પણ ટ્રમ્પની ગુજરાત મુલાકાત વિષે કેટલાક સમયથી અટકળો ચાલી રહી છે. ગુજરાતમાં ચાલતી અટકળો મુજબ ટ્રમ્પ અને મોદી વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમનું ઉદઘાટન કરશે. ગત વર્ષે અમેરિકામાં યોજાયેલા હાઉડી મોદી કાર્યક્રમ સામે ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમ યોજી પ્રતિસાદ આપવા આયોજન ચાલી રહ્યું છે.મોટેરા સ્ટેડીયમ ખાતે તૈયારી અને સુરક્ષાની સમીક્ષા માટે રાજય સરકારના અધિકારીઓ અત્યંત પ્રવૃત છે. ગત સપ્તાહે મુખ્ય સચિવ અનિલ મુકીમ, ડીજીપી શિવાનંદ ઝા, મ્યુનીસીપલ કમિશ્નર વિજય નેહરા અને પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાએ મોટેરા સ્ટેડીયમની મુલાકાત લેશે. ટ્રમ્પની મુલાકાતની અટકળોને વેગ મળ્યો હતો. મોટેરા સ્ટેડીયમ જવાના માર્ગે બે નવા એકસેસ રોડ અને 14 એકસેસ રોડ પહોળા કરવાનું કામ ચાલી રહ્યું છે. સુરક્ષાના કારણોસર સ્ટેડીયમ આસપાસન મેનરોલ પણ સીલ થઈ રહ્યા છે.અધિકારીઓના જણાવ્યા મુજબ ટ્રમ્પ સાબરમતી આશ્રમની પણ મુલાકાત લેશે. માર્ચ 1959માં અમેરિકાના નાગરિક અધિકારી ચળવળના નેતા ડો. માર્ટિન લુથર કિંગ અને તેમના પત્ની કોરેશ સ્કોર કિંગએ મુલાકાત લીધી હતી. એ પછી તેમણે વોશિંગ્ટનમાં ગ્રેટ માર્ચ યોજી હતી અને એનાથી અમેરિકાનું રાજકારણ કાયમ માટે બદલાઈ ગયું હતું. ડો. કિંગે પોતાની મુલાકાતને મહાત્મા ગાંધીની ભૂમિની આશા ગણાવી હતી.ટ્રમ્પ સાથે આવનારા વરિષ્ઠ અધિકારીઓ કોટની અંદરના વિસ્તારોની મુલાકાત લે તેવી શકયતા છે. 2017માં યુનેસ્કોએ વોલ્ડ સિટીને વર્લ્ડ હેરિટેજ સીટીનો દરજજો આપ્યો હતો. અમદાવાદ મ્યુનીસીપલ કમિશ્નર નેહરાએ આ સંદર્ભમાં કોટની અંદરના વિસ્તારની મુલાકાત લીધી હતી. ગઈકાલે ભદ્ર પ્લાઝાના સુધારાને રંગરોગાન કરવામાં આવ્યા હતા.