આજે રાજકોટ અને ભૂજના ટ્રકચાલકો લોકસભામાં પસાર થયેલા કાયદાને કાળો કાયદો ગણાવી હાઈવે પર ઉતરી આવ્યા છે. રાજકોટ-અમદાવાદ હાઈવે પર માલિયાસણ પાસે ટ્રક ચાલકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને આ કાયદો રદ કરવામાં આવે તેવી માગ કરી હતી. વિરોધ કરતા ટ્રક ચાલક એસોસિએશનના પ્રમુખ સહિત 2 વ્યક્તિની પોલીસે અટકાયત કરી હતી. જ્યારે ભચાઉ તાલુકાના સામખયારી નેશનલ હાઈવે પર 500 જેટલા ટ્રકચાલકોએ ચક્કાજામ કર્યો હતો અને બસના કાચ ફોડ્યા હતા.ભચાઉ અને સામખીયાળી પોલીસે હળવો બળ પ્રયોગ કરીને ટ્રક ચાલકોને વિખેરી રસ્તો ખુલ્લો કરાવ્યો છે.
હાઇવે પર ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આ કાયદા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રોડ અકસ્માત કરનાર કોઈ વ્યક્તિ અકસ્માત કરીને ભાગી જાય છે અને ઈજાગ્રસ્ત વ્યક્તિને રસ્તા પર જ છોડી દે છે તો તેને 10 વર્ષની સજા થશે. પરંતુ જો અકસ્માત સર્જનાર વ્યક્તિ ઘાયલને હોસ્પિટલ લઈ જશે તો સજા ઓછી થઈ જશે. આ મામલે આજે રાજકોટ-અમદાવાદ હાઈવે પર માલીયાસણ પાસે ટ્રકચાલકો એકત્ર થયા હતા અને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. જેથી ટ્રક એસોસિએશનના પ્રમુખ સહિત 2 વ્યક્તિની પોલીસે અટકાયત કરી હતી. જોકે આ દરમિયાન હાઇવે પર ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા હતા.
નવા કાયદા બનાવતા પૂર્વે ફેર વિચાર કરવામાં આવે એવી માગ
રાજકોટ ટ્રકચાલક એસોસિએશનના પ્રમુખ સુરસિંહ વાળાએ જણાવ્યું હતું કે, હિટ એન્ડ રનના કેસમાં ટ્રકચાલકો સહિતના મોટા વાહનો દ્વારા અકસ્માત સર્જાય અને ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલે લઈ જવામાં ન આવે તો તે ટ્રકચાલક કે મોટા વાહનધારકો સામે રૂ.7 લાખનો દંડ અને 10 વર્ષની જેલની સજાનો કાયદો લાવવામાં આવ્યો છે. તે કાળો કાયદો છે જેથી તેના વિરોધમાં અમે અહીં રાજકોટ અમદાવાદ હાઈવે પર માલીયાસણ પાસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો છે. સરકાર દ્વારા અકસ્માતના નવા કાયદા બનાવતા પૂર્વે ફેર વિચાર કરવામાં આવે એવી માગ છે. દરમિયાન ચક્કજામના પગલે ખાનગી, સરકારી બસો, ટ્રકો સહિતના વાહનોની કતારોમાં વધારો થઈ રહ્યો છે.