અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર રાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાતા ટ્રકમાં આગ લાગતા એક ટ્રક ડ્રાયવરનું મોત થયું છે. જ્યારે અન્ય એક ઘાયલને નડિયાદની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. અકસ્માતને પગલે એક્સપ્રેસ હાઇવે પર એક કલાક સુધી ટ્રાફિકજામ થઇ ગયો હતો.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર રાત્રે સવા નવ વાગ્યા આસપાસ નડિયાદથી અમદાવાદ તરફ આવી રહેલો ટ્રેલર રોડની સાઇડમાં ઉભા રહેલા આઇસરની પાછળ ધડાકાભેર અથડાયો હતો. અકસ્માતને કારણે ટ્રેલરની કેબિનમાં રહેલા સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો અને આગ ફાટી નીકળી હતી. જેમાં ટ્રેલર (GJ-12-AT-9104) નો ડ્રાયવર નરેશ મહંતો જીવતો સળગી ગયો હતો.દરમિયાન તેની પાછળ આવી રહેલા અન્ય એક ટ્રકના ચાલકે અકસ્માતગ્રસ્ત વાહનોમાં અથડાતા બચવાનો પ્રયાસ કરતા તેણે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો અને તે ટ્રક રોડ ક્રોસ કરી બીજી તરફ પટકાઇ હતી. જેના કારણે તે ટ્રકમાંથી ઓઇલ ઢોળાતા ટ્રાફિકજામ સર્જાયો હતો.આ સમગ્ર ઘટનાની જાણ અમદાવાદ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. જેથી અમદાવાદના ફાયર ઓફિસર ઓમ જાડેજા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવી અકસ્માતગ્રસ્ત વાહનોને સાઇડમાં કરી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક યથાવત કર્યો હતો.વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર આજે સવારે ગાઢ ધુમ્મસ રહેતા વડોદરાથી અમદાવાદ અને અમદાવાદથી વડોદરા તરફ આવનાર વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. ગાઢ ધુમ્મસના લગભગ 10થી 15 ફૂટ સુધી વાહનો દેખાવા મુશ્કેલ થઇ ગયા હતા. ધુમ્મસના કારણે કોઇ અકસ્માત ન સર્જાય તે માટે એક્સપ્રેસ હાઇવે ઓથોરીટી દ્વારા એક્સપ્રેસ વે ઉપર લગાવવામાં આવેલા ડિઝીટલ ડિસ્પ્લે તેમજ ટોલ નાકા ઉપર લગાવેલા લાઉડ સ્પિકર દ્વારા એનાઉન્સ વાહનો ધીમે ચલાવવા માટે સતત એનાઉન્સ કરવામાં આવ્યું હતું.વડોદરા એક્સપ્રેસ હાઇવે ટોલનાકાના મેનેજર રાજેશ પાંડેએ જણાવ્યું હતું કે, શિયાળાની ઋતુમાં ધુમ્મસ છવાતું હોય છે. જેમ સૂર્ય ઉગવાની શરૂઆત થાય તેમ ધુમ્મસ હળવું થાય છે. આજે વહેલી સવારથી એક્સપ્રેસ હાઇવે ઉપર ઘાઢ ધુમ્મસ છવાયું હતું. 10થી 15 ફૂટ સુધી વાહનો દેખાવા મુશ્કેલ હતા. ધુમ્મસના કારણે કોઇ અકસ્માત ન સર્જાય તે માટે ટોલનાકા ઉપર લગાવવામાં આવેલા લાઉડ સ્પિકર વાહન ચાલકોને વાહન ધીરે ચલાવવા માટે સતત સૂચનાઓ આપવામાં આવી હતી.