હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દાદરા નગર હવેલી, દમણ, ડાંગ અને નવસારીમાં આજે ભારે વરસાદ આવી શકે છે. આ ઉપરાંત ભાવનગર , અમરેલી, પોરબંદરમાં ભારે વરસાદ આવી શકે છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં અત્યાર સુધી સારો વરસાદ રહ્યો છે. અન્ય ભાગમાં હજી વરસાદની જરૂરિયાત છે. આવતીકાલથી વરસાદનું પ્રમાણ ઓછું થશે. રાજ્યમાં અત્યાર સુધી 35 ટકા વરસાદ થયો છે. રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે વહિવટી તંત્ર અલર્ટ કરાયું છે. જીલ્લા તંત્ર સાથે અલગ અલગ જીલ્લામા 9 એનડીઆરએફની ટીમોને પણ સ્ટેંડ બાય કરવામા આવી છે. આગામી દિવસોમાં હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદની પડી શકે છે.
ગઇ કાલે બપોરના સમયે ઉકળાટ રહેતા શહેરીજનો પરસેવે રેબઝેબ થયા હતા. પરંતુ સાંજ પડતાની સાથે જ સમગ્ર અમદાવાદમાં કાળાં ડિબાંગ વાદળો છવાઇ ગયા હતા અને વરસાદે રૂદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું લાગી રહ્યું હતું તે દરમિયાન જ અમદાવાદના મોટા ભાગમાં વરસાદ વરસ્યો હતો અને લોકોને ગરમી અને બફારાથી છૂટકારો મળ્યો હતો.
બંગાળની ખાડી અને ઓડિશામાં સક્રીય થયેલું અપર એર સાયક્લોનિક સરક્યુલેશન થયું છે. 16 જુલાઇ સુધી ગુજરાત પહોંચીને લો-પ્રેશરમાં પરિવર્તિત થવાની સાથે મોન્સુન ટ્રફ જમીન તરફ આવશે. જેથી આગામી 16થી 18 જુલાઇ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થતાં ચોમાસાની જમાવટ થશે. ખાસ કરીને અમદાવાદમાં દોઢથી પાંચ ઇંચ જયારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 8થી 10 ઇંચ વરસાદ ખાબકવાની વકી હવામાન વિભાગ કરી રહ્યુ છે