media group spreading communal hatred
વડોદરામાં અન્ય ધર્મના યુવકો સાથે જોવા મળતી યુવતીઓને પકડી બંનેનો વીડિયો વાયરલ કરી કોમી વૈમનસ્ય સર્જતા સોશ્યલ મીડિયાના એક ગુ્રપના ત્રણ એડમિનને ગોત્રી પોલીસે ઝડપી પાડી મોબાઇલ કબજે લીધા છે. વડોદરાના પોલીસ કમિશનરે તમામ અધિકારીઓને આગામી તહેવારોને અનુલક્ષીને કોમી ઉશ્કેરાટ ના ફેલાય તેની તકેદારી રાખવા અને સોશ્યલ મીડિયા પર વોચ રાખવા માટે સૂચના આપી હતી.જે દરમિયાન અકોટા બ્રિજ પરના વાયરલ થયેલા વીડિયો પર પોલીસે વોચ રાખી તપાસ કરી હતી
.વાયરલ વીડિયોમાં અકોટા બ્રિજ પર એક યુવતી અન્ય ધર્મના યુવક સાથે બેઠી હતી ત્યારે કેટલાક લોકો આવી ગયા હતા અને બંનેના નામ ઠામ પૂછી વીડિયો ઉતારી લીધો હતો.આ વીડિયોની તપાસ કરતાં આર્મી ઓફ મહદી(એ.એસ.) ગુ્રપમાં જુદાજુદા ધર્મના યુવક-યુવતીનો વીડિયો વાયરલ કરી આ ગુ્રપ બે દિવસ પહેલાં ડિલિટ કરી દેવામાં આવ્યું હતું.ડીસીપી અભય સોનીએ આ અંગે પીએસઆઇ એ યુ દિવાન મારફતે તપાસ કરાવી ગુ્રપના ત્રણ એડમિન મુસ્તકિમ ઇમ્તીયાઝ શેખ(ફતેપુરા,સુથારફળિયા), બુરહાનબાબા નન્નુમીયા સૈયદ(હિના કોમ્પ્લેક્સ,ટાયટેનિયમ સોસાયટી સામે, આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે, પાણીગેટ) અને સાહિલ સરબુદ્દીન શેખ(પીરામિતાર મહોલ્લો, નેહરુભવન સામે,રાજમહેલરોડ)ની અટકાયત કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં આ ગુ્રપ માં મોટીસંખ્યામાં લોકોને સમાવવામાં આવ્યા છે.આ ગુ્રપમાં આ પ્રકારના વીડિયો,ઓડિયો અને ફોટા અગાઉ પણ મુકવામાં આવ્યા હોય તેવી આશંકા સેવાઇ રહી છે.જેથી ગોત્રી પોલીસે ઉશ્કેરાટ ફેલાવવા બદલ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.સોશ્યલ મીડિયાના ગુ્રપના નેટવર્ક પર ઉશ્કેરાટ ફેલાય તેવી પ્રવૃત્તિ કરવાની પ્રેરણા ક્યાંથી મળી તે દિશામાં પોલીસ તપાસ કરનાર છે.ડીસીપીએ કહ્યું હતું કે,આ ગુ્રપમાં ઉશ્કેરાટ ફેલાય અને વર્ગવિગ્રહ થાય તેવા વીડિયો મુકી વ્યક્તિની સ્વતંત્રા પર તરાપ મારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય તેમ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.જેથી આવું ગુ્રપ બનાવવા પાછળનો હેતુ શું છે,તેની પાછળ કોઇ બહારની વ્યક્તિ કે સંસ્થા સામેલ છે કે કેમ,આવી પ્રવૃત્તિ કરવાની પ્રેરણા ક્યાંથી મળી જેવી બાબતો તપાસનો વિષય બની છે. જુદા જુદા ધર્મના યુવક-યુવતીના વીડિયો ઉતારી તેમની સાથે અભદ્ર વ્યવહાર કરવાના બનાવોની તપાસ માટે પોલીસ ત્રણેય ગુ્રપ એડમિનના મોબાઇલ ફોરેન્સિક લેબમાં મોકલશે. અન્ય ધર્મના યુવક-યુવતી સાથે જોહુકમી કરી તેમના વીડિયો ઉતારીને વાયરલ કરનાર ગુ્રપના ત્રણેય એડમિનના મોબાઇલ કબજે કરનાર પોલીસે કહ્યું છે કે,આ મોબાઇલમાં બીજા પણ વીડિયો,ઓડિયો કે ફોટા હોવાની આશંકા છે.જેથી ડિલિટ કરેલા વીડિયો,ઓડિયો અને ફોટા પરત મેળવવા માટે ત્રણેયના મોબાઇલ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવશે.આ ઉપરાંત ગુ્રપમાં જેમણે આવા વાંધાજનક વીડિયો કે ફોટા ફોરવર્ડ કર્યા હશે તેમને પણ બોલાવવામાં આવશે.
ડીસીપીએ કહ્યંુ છે કે,અકોટા બ્રિજ પર યુવક-યુવતી સાથે જોહુકમી કરી ઉતારી લીધેલા વીડિયો વાયરલ કરવાના બનાવમાં ગુ્રપ એડમિન દ્વારા ચાર મહિના પહેલાં બનાવેલું આર્મી ઓફ મહદી(એ.એસ.) ડિલિટ કરી તમામને રીમૂવ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બે દિવસ પહેલાં લશ્કરે આદમ નામનું નવું ગુ્રપ બનાવવામાં આવ્યું હતું.જેથી આવા કેટલા ગુ્રપ અગાઉ બનાવવામાં આવ્યા હતા તેની પણ માહિતી લેવામાં આવશે. પોલીસના જણાવ્યા પ્રમાણે,અન્ય ધર્મના યુવકો સાથે સબંધ રાખતી યુવતીની રેકી કરવામાં આવતી હતી અને ત્યાં લોકોને બોલાવીને વીડિયો ઉતારી લેવામાં આવતો હતો.યુવતીના પરિવારજનોને પણ આ અંગે જાણ કરી તેમને ધમકાવવામાં આવતા હોવાની માહિતી મળી છે.જેથી આવા ભોગ બન્યા હોય તેવા પરિવારોને સંપર્ક કરવા ડીસીપી અભય સોનીએ કહ્યું છે.યુવતીઓની સગાઇ તોડવાની પણ ધમકી આપતા હતા.આવા જ કારણસર મોબ લિિચિંગ જેવા બનાવ પણ બનતા હોયછે.