ગુજરાતમાં વરસાદને કારણે ખરાબ થઈ ગયેલા રસ્તાઓ અને ખાડાઓના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. તે ઉપરાંત આ રસ્તાના રીપેરિંગ અને ખાડા પુરવાની ગ્રાન્ટ નહીં વપરાતા તંત્રની ઉદાસીનતા સામે પણ સવાલો ઉભા થયાં છે. માર્ગ પરિવહન મંત્રાલયના રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં નેશનલ હાઈવેની જાળવણી માટે ત્રણ વર્ષના ગાળામાં કુલ 366.81 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, જોકે તેમાંથી 270 કરોડનો ખર્ચ કરાયો હતો જ્યારે 96.11 કરોડ જેટલી રકમ વણવપરાયેલી રહી હતી.
માર્ગ પરિવહન મંત્રાલયના રિપોર્ટમાં ખુલાસો
બીજી તરફ નેશનલ હાઈવે સહિતના તમામ માર્ગો પર ખાડાઓને કારણે ગુજરાતમાં વર્ષ 2017થી 2019માં કુલ 558 અકસ્માત થયા છે, જે પૈકી 234 લોકોનાં કરૃણ મોત થયાં હતા આ ઉપરાંત 548 લોકોને નાની-મોટી ઈજા પહોંચી હતી. કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રાલયના રિપોર્ટમાં આ બાબત સામે આવી છે. રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ખાડાઓના કારણે સૌથી વધુ અકસ્માત અને મોત વર્ષ 2017માં થયાં હતા, આ અરસામાં કુલ 552 અકસ્માતની ઘટના નોંધાઈ હતી, જેમાં 228 લોકોના મોત થયા છે. તો 545 લોકોને ઈજા પહોંચી હતી.
રસ્તાની જાળવણી માટે એજન્સીઓને કામ સોંપાય છે
જોકે એ પછી ખાડાઓ રિપેર થતાં અકસ્માતોની વણઝાર જાણે એકદમ ઓછી થઈ હોય તેમ વર્ષ 2018માં ખાડાઓના કારણે એક અકસ્માતમાં એકનું મોત થયું હતું. એ પછીના વર્ષ 2019માં પાંચ અકસ્માત થયા હતા, જેમાં પાંચના મોત અને એક વ્યક્તિને ઈજા થઈ હતી. પોલીસ વિભાગ પાસેથી જે અકસ્માતોના કેસમાં માહિતી સામે આવી તેના આધારે કેન્દ્ર સરકારને આ માહિતી મળી હતી. નેશનલ હાઈવે પર રસ્તાની જાળવણી માટે એજન્સીઓને કામ સોપાય છે.
વાસદ-તારાપુર-બગોદરા હાઇવે પર ટોલ ટેસ્ક નહીં
વાસદ-તારાપુર-બગોદરા હાઇવે પર ટુ અને ફોર વ્હીલ પેસેન્જર વાહનો પાસેથી ટોલ ટેક્સ નહીં લેવામાં આવે. આ હાઇવેના રૂબરું નિરીક્ષણ દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. નીતિન પટેલે જણાવ્યું,દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતાં મધ્ય ગુજરાતના આ હાઇવે પર માત્ર માલવાહક ટ્રકો, ટેન્કર, ટ્રેલર, કન્ટેનર અને બસ જેવા મોટા વાહનો પાસેથી જ ટોલ ટેકસ વસૂલાશે. વાસદથી બગોદરા વચ્ચે તૈયાર થઈ રહેલા છ માર્ગીય રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કર્યા બાદ તેમણે જણાવ્યું, 48 કિમીના પેકેજનું 95 ટકા કામ પૂરું થયું છે. એકાદ મહિનામાં કામ પૂરું થશે. દેશમાં નમૂનેદાર બની રહેનારા આ રસ્તાના લોકાર્પણ માટે પીએમને આમંત્રણ અપાશે.