ડભોલીમાં ચાર ઠગ મહિલાઓ તાંત્રિક વિધિના નામે સાસુ-વહુને કેફી પદાર્થ ખવડાવી બેહોશ કરી રૃપિયા ૧.૨૦ લાખના ઘરેણાં અને રોકડા ૧૦ હજાર લઇ ભાગી ગઇ હતી.જે અંગે ચોકબજાર પોલીસમાં ગુનો નોંધાયો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે ડભોલીમાં અખંડ આનંદ સોસાયટીમાં રહેતા સંતમબેન યાદવ મુળ યુપીના વતની છે. ગત તા.૨૩મીએ સવારે ઘરમાં પુજા પાઠ કરી તેઓ ઘરના ઓટલા પર ઉભા હતા ત્યારે ચાર અજાણી હિંદીભાષી મહિલાઓ તેમના ઘરની બહાર આવી હતી. તેઓએ સંતમબેનને કેફી પદાર્થ ખવડાવી દીધો હતો અને બાદમાં તંત્ર મંત્રની વિધિ કરી સંતમબેનની સાથે તેમના દીકરાની વહુને પણ ભોળવી દીધી હતી. ચારેય મહિલાએ ધૂણવાનું તરકટ કરી ડરાવી-ધમકાવી તેઓએ રૃપિયા ૧.૨૦ લાખના ઘરેણાં અને રોકડા ૧૦ હજાર પડાવી લીધા હતા. સાસુ-વહુ બેભાન થઇ જતા ચારેય મહિલા દાગીના-રોકડ રકમ લઇ ભાગી ગઇ હતી. થોડાં સમય બાદ સાસુ-વહુ હોશમાં આવ્યા હતા. આ અંગે સંતમબેને ફરિયાદ આપતા ચોકબજાર પોલીસે ચાર ઠગ મહિલા સામે રૃપિયા ૧.૩૦ લાખના ચીટિંગનો ગુનો નોંધી તપાસ આદરી છે.