બોટાદ અને અમદાવાદ જિલ્લામાં 55઼થી વધુ લોકોનાં મોતનું કારણ બનેલા લઠ્ઠાકાંડ બાદ સફાળી જાગેલી ગુજરાત પોલીસે સમગ્ર રાજ્યમાં દારૂ વેચનારા પર તવાઇ ઉતારી છે. સોમવારથી બુધવાર સુધીના ત્રણ દિવસમાં રાજ્યના લગભગ તમામ જિલ્લામાં 2771 જેટલા સ્થળે દરોડા પાડી 33475 લિટર જેટલો દેશી - વિદેશી દારૂ જપ્ત કર્યો છે. અમુક ઠેકાણે અન્ય એજન્સી કે પોતાના હાથ નીચેના સ્ટાફ પર નિર્ભર રહેવાને બદલે જિલ્લા પોલીસ વડા ખુદ મેદાનમાં આવી રેડ કરી રહ્યા છે.
વલસાડ જિલ્લામાં ડીએસપીએ જાતે દારૂની પાર્ટી પર રેડ કરી તો તેમના તાબાના પોલીસ સબ ઇન્સપેક્ટર અને અન્ય ખાખી વર્દીધારીઓ જ દારૂ પીતા પકડાયા હતા.વિવિધ જિલ્લામાંથી પ્રાપ્ત વિગતો મુજબ સોમવારે સોમવારે બરવાળા, રાણપુર, ધંધૂકા પંથકમાં લઠ્ઠાકાંડ (કેમિકલ કાંડ) પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે ઠેર ઠેર દારૂ પકડવાની કામગીરી શરુ કરી હતી. રાજ્યભરની પોલીસ ગણતરીના કલાકમાં એક્શનમાં આવી હતી અને દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવાનું શરું કર્યું હતું. બુધવારે પણ આ કામગીરી અવિરત રહી હતી. આ ત્રણ દિવસના ટૂંકા સમયગાળામાં લગભગ 2771 કરતાં વધુ સ્થાને રૅડ કરી, 2355 થી વધુ લોકો સામે ગુના નોંધી 1621 આરોપીઓની ધરપકડ બતાવી હતી. પોલીસે રૂ. 63.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરવાની સાથે સાથે 33475 લિટર દેશી - વિદેશી દારૂ પકડી પાડ્યો હતો.લઠ્ઠાકાંડના ત્રીજા દિવસે મીડિયા સમક્ષ આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આ પ્રકારના બનાવ ફરી ન બને તે માટે ગૃહ વિભાગ દ્વારા કેમિકલ પર નિયંત્રણ માટે નવા નિયમો લાવવામાં આવશે.ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે પોલીસે બે દિવસમાં તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. દારૂ પીનારને શોધવા 30થી વધુ ટીમોના 2500 જેટલા પોલીસ જવાનો ગામો અને ખેતરો ખૂંદી વળ્યા હતા.