ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તા.18 એપ્રિલથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે જેના ભાગરૂપે પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત શિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક કક્ષાના રીયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ-વિદ્યા સમીક્ષા કેન્દ્રની આજે તા.18 એપ્રિલના રોજ પ્રથમવાર રૂબરૂ મુલાકાત કરશે. વડાપ્રધાનની વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત દરમિયાન ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી સહિત મહાનુભાવો- શિક્ષણવિદો ખાસ ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે અત્યાધુનિક મોનિટરીંગ રૂમમાંથી ગુજરાતભરના વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, મુખ્ય શિક્ષકો, બીઆરસી, સીઆરસી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે સીધો ઈ-સંવાદ કરીને શિક્ષણ ક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપશે.
વૈશ્વિકકક્ષાના વિદ્યા સમીક્ષા કેન્દ્રની પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરીની સમગ્રતયા વિગતો આપતા શિક્ષણ વિભાગે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં શાળાકીય શિક્ષણમાં આશરે 2.4 લાખ શિક્ષકો, 10,000 જેટલો સુપરવીઝન માટેનો સ્ટાફ મળી કુલ આશરે 2.5 લાખ કરતાં વધારે કર્મચારીઓ કાર્યરત છે.
જે રાજ્ય સરકારના કુલ કર્મચારીઓના આશરે 51% જેટલા છે. આ તમામ કર્મચારીઓના અસરકારક મોનીટરીંગ અને સપોર્ટ માટે તથા વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમના સતત મોનીટરીંગ અને સુધારણા માટે ટેક્નૉલૉજી આધારિત વ્યવસ્થા ઊભી કરવી અત્યંત જરૂરી હતી. જેના ભાગરૂપે પ્રથમ વાર શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની તમામ રિયલ ટાઈમ ઓનલાઈન મોનીટરીંગ માટે વર્ષ 2019માં શિક્ષણ ક્ષેત્રનું દેશનું સર્વ પ્રથમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર-સીસીસીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેના માધ્યમથી ડેટા આધારિત જરૂરી ઈનપુટ તેમજ તેના આધારે રાજ્યના વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમમાં જરૂરી સુધારો થાય અને શિક્ષણ સફળતાનો ગ્રાફ ઉંચો આવે તે માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી વિવિધ કામગીરી કરવામાં આવે છે.
વિભાગે જણાવ્યું હતું કે આ વિશ્વકક્ષાના વિદ્યા સમીક્ષા કેન્દ્રના બે અત્યાધુનિક મોનીટરીંગ રૂમમાંથી ખાસ પસંદ કરાયેલા અને તાલીમબધ્ધ 50 શિક્ષકો દ્વારા સમગ્ર રાજ્યના બીઆરસી, સીઆરસી, જિલ્લાના અને તલુકાના અધિકારીઓ, શાળાના મુખ્ય શિક્ષકો વગેરેનું સતત મોનીટરીંગ, લાઈવ ડેટા શેરિંગ અને કોમ્યુનિકેશનથી સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા છેલ્લા અઢી વર્ષમાં એકમ કસોટી (પીએટી), સત્રાંત અને વાર્ષિક પરીક્ષાઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોની રિયલ ટાઈમ ઓનલાઈન હાજરીના 1 કરોડથી વધુ વિદ્યાર્થીઓના વિવિધ પ્રકારના 5૦0 કરોડ કરતાં વધુ અલગ અલગ પ્રકારના ડેટા સેટ દર વર્ષે મેળવવાની મહત્વની કામગીરી કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત તમામ ડેટાનું મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો અને બિગ ડેટા એનાલિટીક્સના માધ્યમથી મીનિંગફુલ એનાલિસિસ કરી તેનો શાળાકીય શિક્ષણના તમામ નીતિવિષયક નિર્ણયો લેવામાં એટલે કે ડેટા આધારિત નિર્ણય લેવામાં આવી રહ્યો છે તેમ વિભાગે ઉમેર્યુ હતું.
શિક્ષણ વિભાગે કહ્યું હતું કે વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી ડેટા આધારિત રાજ્યમાં પહેલીવાર શાળા પ્રવેશોત્સવ 2.0 અંતર્ગત એનરોલમેન્ટ ટુ એટેન્ડન્સ અભિગમ અમલમાં મૂકવામાં આવ્યો છે. અત્યાર સુધી લગભગ 100% નામાંકન સુનિશ્ચિત કરવામાં આવતું હતું પરંતુ હવે તેને ડેટા આધારિત કરવામાં આવ્યું છે. રાજ્યની સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પ્રમાણે ધોરણ એકમાં પ્રવેશપાત્ર તમામ વિદ્યાર્થીઓને ઓળખી કાઢીને વર્ષ 2019-20માં 100.3%, 2020-21માં 100.1% અને વર્ષ 2021-22માં 100% નામાંકન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. વધુમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ડેઇલી રિયલ ટાઈમ ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ લાગુ કરવાથી એક વર્ષમાં 80% થી વધુ હાજરી ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 26% અને શિક્ષકોની સંખ્યામાં 9%નો વધારો જોવા મળ્યો એટલે કે લગભગ 13.5 લાખ વિદ્યાર્થીઓ નિયમિત શાળામાં આવતા થયા છે.
આ ઉપરાંત રાજ્યના તમામ વિદ્યાર્થીઓ માટે નિયમિત સત્રાંત, વાર્ષિક અને એકમ કસોટીના આયોજનથી વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમમાં સતત સુધારો જોવા મળ્યો છે. આ કસોટીઓ માટે નવી રાષ્ટ્રિય શિક્ષણ નીતિમાં સૂચવ્યા મુજબના લર્નિંગ આઉટકમ આધારિત હોલિસ્ટિક રિપોર્ટ કાર્ડ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે તૈયાર કરીને 15 કરોડ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે.
આ સિવાય રાજ્યના તમામ સુપરવાઇઝરી સ્ટાફનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા સ્કૂલ મોનીટરીંગ એપ્લિકેશન દ્વારા સતત રિયલ ટાઈમ ઓનલાઈન મોનીટરીંગ કરવામાં આવે છે. જેથી તેમની શાળા મુલાકાત અને સપોર્ટ સુનિશ્ચિત કરી શકાય. આ એપ્લિકેશનના અમલ બાદ સુપરવાઇઝરી સ્ટાફની શાળા મુલાકાતમાં આશરે 20% જેવો વધારો જોવા મળ્યો છે.
આ ઉપરાંત રાજ્યની તમામ શાળાઓના સર્વાંગી મૂલ્યાંકન માટે ગુણોત્સવ 2.0 અમલમાં મૂકવામાં આવ્યો છે. આ ગુણોત્સવ 2.0 ના તમામ ડેટાનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા કરી રાજ્યની તમામ સરકારી શાળાઓનું જુદા જુદા 61 માપદંડો પર એક્રેડિટેશન પૂર્ણ કરી તેનું વિગતવાર એનાલિસિસ કરીને દરેક શાળાઓને તેમનું રિપોર્ટ કાર્ડ આપવામાં આવ્યું છે. જે શાળાઓને તેમના વિકાસ માટેનું આયોજન કરવામાં મદદરૂપ બની રહ્યું છે.
શિક્ષણ વિભાગ દ્વારા નવતર પહેલરૂપી હોમ લર્નિંગના ભાગરૂપે કોવિડના સમયગાળામાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સતત શિક્ષણ મળી રહે તે માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ગુજરાત વર્ચ્યુઅલ શાળા મારફતે આશરે 8 કરોડ વ્યૂ સાથેની યૂ ટ્યુબ ચેનલ, 10 કરોડ કલાકનું ઓનલાઈન શિક્ષણ આપવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર વિશ્વમાં માઈક્રોસોફ્ટ ટીમ્સના ઉપયોગમાં ગુજરાત ત્રીજું સ્થાન ધરાવ છે. દીક્ષા પોર્ટલ પર સતત પ્રસારિત થતાં શૈક્ષણિક કાર્યક્રમોની વ્યૂઅરશીપમાં પણ ગુજરાત સમગ્ર દેશમાં છેલ્લા બે વર્ષથી સતત પ્રથમ સ્થાને છે તે આપણા માટે ગૌરવ સમાન છે.
આ સિવાય શાળાઓના મુખ્ય શિક્ષકો પરથી વહીવટી કામગીરીનું ભારણ ઘટાડવા તથા સમગ્ર વહીવટી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સ્કૂલ એડમિનિસ્ટ્રેશન સોફ્ટવેર તૈયાર કરી અમલમાં મૂકવામાં આવ્યું છે જેથી મુખ્ય શિક્ષકોનો સમય હવે બાળકોના વધુ સારા અભ્યાસમાં મદદરૂપ બનશે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર શિક્ષણ વિભાગના તમામ ઇન્ટરવેન્શન્સ માટે નર્વ સેન્ટર તરીકે કાર્યરત છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આ તમામ ઈનીશીએટિવ માટે ખાસ ડેશબોર્ડસ તૈયાર કરવામાં આવેલા છે.
આ ડેશબોર્ડસ દ્વારા મુખ્યમંત્રીના ડેશબોર્ડ પર પણ સતત ડેટા પૂરો પાડવામાં આવે છે. શિક્ષણ વિભાગે ગૌરવભેર જણાવ્યું હતું કે, વિદ્યા સમીક્ષા કેન્દ્રની કામગીરી તથા ઉપયોગિતા અને તેના દ્વારા મળેલા પરિણામોની નોંધ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ સચિવશ્રી, હાયર અને ટેકનિકલ શિક્ષણ સચિવ, સીબીએસઇના ચેરમેન, નિતી આયોગના ડાયરેક્ટર જનરલ અને નીતિ આયોગના સિનિયર એડવાઇઝર દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઇ ઉચ્ચ અધિકારીઓના પ્રતિનિધિ મંડળે એક વિશેષ સ્ટડી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમના દ્વારા દેશના તમામ રાજ્યોને ગુજરાતના આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર મોડેલનું શિક્ષણ ક્ષેત્રે અનુકરણ કરવા પણ જણાવવામાં આવ્યું છે.
શિક્ષણ વિભાગે વધુમાં કહ્યું હતું કે દેશના અન્ય રાજ્યો જેવા કે અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, ઓરિસ્સા, રાજસ્થાન, ઉત્તરાખંડ વગેરે રાજ્યોના શિક્ષણ વિભાગના સચિવશ્રીની આગેવાનીમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ દ્વારા પણ વિદ્યા સમીક્ષા કેન્દ્રની પ્રત્યક્ષ મુલાકાત લેવામાં આવી છે. આ બધાજ રાજ્યો દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રમાંથી પ્રેરણા લઈ તેમના રાજ્યમાં આજ પ્રકારનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર સ્થાપવાની દિશામાં પ્રયત્નો ચાલુ કર્યા છે.
આ સિવાય વિદ્યા સમીક્ષા કેન્દ્રની કામગીરીની નોંધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેવી કે વર્લ્ડ બેંક, OECD,બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનર, યુનિસેફ, કેમ્બ્રિજ વગેરેના પ્રતિનિધિ મંડળો દ્વારા રૂબરૂ અભ્યાસ મુલાકાત કરવામાં આવી છે. તાજેતરમાં વર્લ્ડ બેન્કના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળે પણ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લઈ વિદ્યા સમીક્ષા કેન્દ્રને ગ્લોબલ બેસ્ટ પ્રૅક્ટિસ તરીકે વિશ્વના અન્ય દેશો સમક્ષ લઈ જવાનો નિર્ણય કર્યો છે. આગામી સમયમાં વર્લ્ડ બેંક દ્વારા વિશ્વના અનેક દેશોને વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત કરાવી અભ્યાસ કરાવવામાં આવશે તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે એક અત્યંત જરૂરી એવી નવિન તક ઊભી થઇ છે જેનો ગુજરાતના મહત્તમ 1.15 કરોડ વિદ્યાર્થીઓને વિશેષ લાભ મળી રહ્યો છે તેમ શિક્ષણ વિભાગે વિદ્યા સમીક્ષા કેન્દ્રની વિગતો આપતા ઉમેર્યુ હતું.