આજે હનુમાનજીની જન્મ જ્યંતી છે. ભારતભરમાં રામભક્ત હનુમાનજી અલગ અલગ સ્વરૂપે બિરાજે છે. સામાન્ય રીતે ભક્તોના દુઃખહર્તા હનુમાનજી કપિ સ્વરુપે પૂજાય છે અને તેની પૂજા પણ પુરુષો જ કરતા હોય છે, પરંતુ યાત્રાધામ વીરપુરમાં એક એવું હનુમાન મંદિર છે કે જ્યાં ભગવાન માનવ સ્વરૂપે બીરાજે છે અને મહિલાઓ તેમની પૂજા, આરતી કરે છે.
રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામધામમાં સંજાવાળી હનુમાનજી મંદિર આવેલું છે,આ મંદિરનો ચોક્કસ ઇતિહાસ કે સમયગાળો તો મળતો નથી પરંતુ તે ખૂબ જ પૌરાણિક અને રાજાશાહી યુગનું હોવાનું જાણવા મળે છે. આ હનુમાનજી મંદિર અન્યમંદિર કરતા કંઈક અલગ છે. સામાન્ય રીતે કોઈ પણ હનુમાજી મંદિરની અંદર કપિ સ્વરૂપે હનુમાનજીની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે પરંતુ સંજાવાળી હનુમાનજી મંદિરમાં માનવ સ્વરૂપે હનુમાજી મહારાજ બિરાજે છે, સાથે સાથે આ મંદિરની વિશેષ વિશેષતાએ પણ છે કે અહીં મંદિરમાં બિરાજમાન હનુમાનજીની પૂજા મહિલાઓ પણ કરે છે.
મંદિરના તમામ કામ મહિલાઓ કરે છે જેમાં મંદિરની સફાઈથી શરૂ કરીને પૂજા અને આરતી પણ મહિલાઓ કરે છે.વીરપુરમાં માનવ સ્વરૂપે બિરાજતા આ સંજાવાળી હનુમાનજી મંદિર વિશેષ મહત્વ ધરાવે છે. આ હનુમાનજી મંદિરનું નામ સંજાવાળી હનુમાનજી તરીકે ઓળખાય છે એ પણ એક મહિલાના નામ પરથી જ પડ્યું છે, વર્ષો પહેલા ભરવાડ સમાજના સંજયાબાઈ નામના મહિલા રોજ હનુમાજીની સેવા પૂજા અને આરતી કરતા હતા અને આજીવન તેમણે અહીં પૂજા અને આરતી કરી હતી જેને લઈને આ હનુમાજીનું નામ સંજાવાળી હનુમાનજી રાખ્યું છે. હનુમાનની આ મૂર્તિ ભક્તોને આશીર્વાદ આપતી મુદ્રામાં બિરાજમાન છે. દૂર દૂરથી ભકતો અહીં પોતાની શ્રધ્ધા અને આસ્થા સાથે આવે છે અને દર્શન લાભ લઇ ધન્ય બને છે.