ગુજરાતમાં વરસાદના ત્રણ રાઉન્ડ બાદ પણ દુષ્કાળ જેવી સ્થિતિ પેદા થઈ રહી છે. એક તરફ સરકારે એવું જાહેર કર્યું છે કે રાજ્યના 56 ડેમમાં 31 સપ્ટેમ્બર સુધી પીવાનું પાણી આરક્ષીત રાખીને બાકીનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે અપાશે. ત્યારે બીજી બાજુ નર્મદા ડેમમાં પાણીની આવક થઈ હોવા છતાં સરકાર ઓગસ્ટ સુધી જ ખેડૂતોને પાણી આપવાની વાતો કરે છે. વરસાદ ખેંચાવાની સ્થિતિમાં ખેડૂતોને ઉભો પાક બચાવવા માટે પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે.
બીજી તરફ ઉત્તર ગુજરાતના 15 અને કચ્છના 20 ડેમોમાં પાણીની સ્થિતિ તળીયા ઝાટક છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં સૌથી ઓછો વરસાદ થવાથી પાણીની તંગી ઉભી થવા પામી છે. ગુજરાતમાં વરસાદ ખેંચાતાં ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 22મી ઓગસ્ટની સ્થિતિએ માંડ 23.97 ટકા જેટલું જ પાણી રહ્યું છે, એ જ રીતે કચ્છના 20 ડેમોમાં માંડ 21.34 ટકા જ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. સરદાર સરોવર સહિત ગુજરાતના કુલ 207 ડેમોમાં અત્યારે 47.75 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. પાણીને લઈ ગુજરાતમાં ધીમે ધીમે સ્થિતિ ચિંતાજનક બની રહી છે. ખેડૂતોને સિંચાઈના પાણી માટે ય રઝળપાટ કરવા જેવી સ્થિતિ ઊભી થઈ છે. ગુજરાતમાં 207 પૈકી માંડ ત્રણ ડેમો અત્યારે સંપૂર્ણ ભરાયેલા છે. જેમાં દક્ષિણ ગુજરાતના 13 પૈકીનું એક ડેમ તથા સૌરાષ્ટ્રના 141 પૈકી માંડ બે ડેમ સંપૂર્ણ ભરાયેલા છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 45.51 ટકા પાણીનો જથ્થો અત્યારે સંગ્રહાયેલો છે, સૌરાષ્ટ્રના 141 ડેમોમાં હાલ 40.03 ટકા પાણીનો જથ્થો બચ્યો છે, આખા ગુજરાતમાં ડેમોના પાણીને લઈ હાલ દક્ષિણ ગુજરાતની સ્થિતિ સારી છે, દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં અત્યારે 60.40 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે જ્યારે મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 42 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે, ગુજરાતમાં ગત વર્ષની સરખામણીએ પાણી મામલે આ વખતે સ્થિતિ ખરાબ છે.