દિલ્હી નિઝામુદ્દીન મરકઝમાં હાજરી આપનારા ગુજરાતના નાગરિકો અંગે કેન્દ્રીય એજન્સી દ્વારા મળેલી માહિતી તેમજ ટેક્નિકલ ડેટાના આધારે અત્યાર સુધીમાં કુલ 72 નાગરિકોની ઓળખ કરવામાં આવી છે. જેમાં અમદાવાદના 34 (જે પૈકી 27 ઉત્તરપ્રદેશના છે), ભાવનગરના 20 (જેમાંથી એક દર્દીનું મૃત્યુ થયું છે), મહેસાણાના 12, બોટાદના 4 તેમજ નવસારીના 2 નાગરિકોનો સમાવેશ થાય છે. હાલ આ તમામ નાગરિકોને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા હોવાનું રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું.
તદુપરાંત, તેમણે જણાવ્યું કે, દિલ્હી મરકઝથી આવેલા અન્ય નાગરિકોની ટ્રેસીંગ અને સર્વેલન્સની કામગીરી હજુ ચાલુ છે. આ સિવાયના કોઈ નાગરિકો મરકઝમાં કે અન્ય સ્થળે જઈને આવ્યા હોય, તો તેઓ સામેથી આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગનો સંપર્ક કરે એ ઇચ્છનીય છે. આમ કરવાથી તેમની અને તેમની આસપાસના અન્ય લોકોની સલામતી પણ જળવાશે, પરંતુ જો કોઈ નાગરિકો આવી જાણ નહીં કરે, તો તેમની સામે ગુનો નોંધવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ શિવાનંદ ઝાએ ઉમેર્યું હતું.
રાજ્યના પોલીસકર્મીઓની ફરજસોંપણીની વિગતો આપતાં રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે પોલીસ કર્મચારીઓ બે શિફ્ટમાં ફરજ બજાવશે. તદુપરાંત, ગ્રામ્યસ્તરે એસપી અને ડીવાયએસપી, જ્યારે શહેરી વિસ્તારોમાં પોલીસ કમિશનર, ડીસીપી તથા એસીપી સહિતના ઉપરી અધિકારીઓ દરેક પોઇન્ટ પર રૂબરૂ જઈ, કામગીરીનું મૂલ્યાંકન કરશે તેમજ ફરજમાં શું ધ્યાન રાખવું, શું કરવું અને શું ન કરવું તેની સમજણ આપશે. પોલીસ કર્મચારીઓ પણ તેમને પડતી મુશ્કેલીઓ વિશે આ અધિકારીઓને જણાવી શકશે.
રાજ્યમાં લોકડાઉનની કડક અમલવારીને ધ્યાને રાખીને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની સૂચના અનુસાર, રાજ્યના 1526 વનકર્મીઓ તેમજ 183 આરટીઓના કર્મચારીઓ પણ પોલીસની સાથે જોડાશે. જે તમામ પોતપોતાના હાલના ફરજના સ્થળે કામગીરી કરશે. આ ઉપરાંત, જરૂર પડ્યે ખાનગી સિક્યૉરિટીના કર્મચારીઓને પણ પોલીસની મદદમાં મૂકવામાં આવશે.