સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા મોરાભાગળ સર્કલ પાસે બીઆરટીએસ રૂટમાં બે દિવસ પહેલાં રાત્રિના સમયે 21 વર્ષના કારચાલકે અકસ્માત સર્જ્યો હતો, રાંદેર વિસ્તારમાં આવેલા જહાંગીરપુરાથી મોરાભાગળ ખાતેના બીઆરટીએસ રૂટ પર કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં કાર 21 વર્ષનો નબીરો ચલાવતો હોવાનું સામે આવ્યું છે. નબીરાએ કાર લઈને બીઆરટીએસની અંદર રોંગ સાઈડમાં પ્રવેશ કર્યો હતો. કાર અચાનક ચાર ફૂટ ઊંચી રેલિંગ ઉપર ચાલતી રહી અને લટકી જતા લોકોમાં પણ ભારે કુતુહલ સર્જાયું હતું. બીજી તરફ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.
ફેઝ મેમણ નબીરો લક્ઝુરિયસ કાર લઈને જહાંગીરપુરાથી મોરાભાગળ તરફના રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન મોરાભાગળ બીઆરટીએસ રૂટમાં તેણે પૂરપાટ ઝડપે કાર ચલાવી હતી. આ દરમિયાન તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કારના વ્હીલને બીઆરટીએસના ડિવાઇડરમાં ચડાવી દીધું હતું, પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. કારચાલક ફેઝ મેમણની અટકાયત કરી હતી. સબનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. પોલીસે યુવકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.