ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવવા સર્વોચ્ય નાગરિક પુરસ્કાર "ગુજરાત ગરિમા એવોર્ડ" માટે સુરતની રબર ગર્લ તરીકે પ્રખ્યાત અન્વી વિજયભાઈ ઝાંઝરૂકિયાની પસંદગી કરવામાં આવી છે. તા.૧લી મે- ગુજરાત સ્થાપના દિનની પાટણ ખાતે રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે આયોજિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ એવોર્ડ અન્વીને એનાયત કરવામાં આવશે.
નોંધનીય છે કે, રબર ગર્લ દિવ્યાંગ એવી અન્વી શારીરિક સમસ્યાઓ અને મર્યાદાઓ હોવા છતા યોગક્ષેત્રે રાજય અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક ગોલ્ડ મેડલો પ્રાપ્ત કર્યા છે. તેને ત્રીજી ડિસેમ્બર-૨૦૨૧ના રોજ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ દ્વારા, ૨૪મી જાન્યુઆરી-૨૦૨૨ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તથા ૨૬મી જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ મુખ્યમંત્રી દ્વારા વિવિધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. જેમા વધુ એક એવોર્ડ મેળવીને સુરતનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કર્યું છે.
13 વર્ષની અન્વીને જન્મથીજ તેના હ્રદયમાં ખામી છે જેના કારણે તેની ઓપન હાર્ટ સર્જરી પણ થઈ ચૂકી છે. તેને માઈટ્રોટ વાલ્વ લિકેજ છે સાથેજ તેને 21 ટ્રાઈસોમી અને હાર્શ સ્પ્રિંગ ડિસીઝ પણ છે જેના કારણે કારણે તેના આંતરડા પર ગંભીર અસર થઈ છે પરિણામે તેને મળ ત્યાગ કરવામાં પણ સમસ્યા થતી હોય છે. સાથેજ તે 75 ટકા બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવે છે.
ઉલ્લેખનીય છે કે શારિરીક રીતે સ્વસ્થ ન હોવા છતા પણ અન્વીએ આજે રાષ્ટ્રીય કક્ષાએ તેની અલગ ઓળખ બનાવી છે. જેથી દિવ્યાંગો માટે તેને એક રોલ મોડલ કહી શકાય. સાથેજ આજે મોટા ભાગના લોકો તેની કળાના વખાણ કરી રહ્યા છે