6 એપ્રિલના રોજ પોલીસને પાંડેસરા વિસ્તારમાંથી એક 11 વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. તપાસમાં માલુમ પડ્યું હતું કે આ બાળકીની બળાત્કાર બાદ હત્યા કરી દેવામાં આવી હતી. હત્યારાઓને શોધવા માટે 100થી વધારે પોલીસકર્મીઓ તેમજ અલગ અલગ એજન્સીઓને કામ લગાડવામાં આવી હતી. આ કેસને ઉકેલવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પણ સુરત પહોંચી હતી. સુરતના પાંડેસરામાં 11 વર્ષની બાળકીની રેપ અને હત્યાના કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. રાજસ્થાનથી અમદાવાદ લાવવામાં આવેલા મુખ્ય આરોપી હર્ષ ગુર્જરે કબૂલાત કરી છે કે બાળકીની માતાની પણ તેણે જ હત્યા કરી નાખી છે. આ પહેલા સુરત પોલીસે બે મહિલાઓની લાશ મળ્યા બાદ આશંકા વ્યક્ત કરી હતી કે બાળકીની માતાની પણ હર્ષ ગુર્જરે હત્યા કરી નાખી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સમક્ષ હર્ષે કબૂલાત કરતા જણાવ્યું હતું કે, બાળકીની માતાની હત્યા તેણે જ કરી છે. મહિલાની હત્યા કરવામાં આવી હતી ત્યારે તેની પુત્રી ઘટનાસ્થળે જ હતી. આથી હત્યાનો કોઈ પુરાવો ન રહે તે માટે આરોપી હર્ષે બાળકીની પણ હત્યા કરી નાખી હતી. બાળકીની હત્યા પહેલા તેની સાથે અનેક વખત બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાંચની તપાસમાં હરીઓમ નામના વધુ એક આરોપીના નામનો ખુલાસો થયો છે. હત્યા જ નહીં પરંતુ આરોપી હર્ષે માતા અને બાળકીની હત્યા પહેલા બંને સાથે અનેક વખત દુષ્કર્મ પણ ગુજાર્યું હોવાનો ખુલાસો થયો છે. એવા પણ સમાચાર મળી રહ્યા છે કે આરોપી પોતાના પરિવારના સભ્યોની સામે જ બાળકી પણ બળાત્કાર ગુજારતો હતો.