સુરતમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું છે. આજે ગાંધીનગરમાં કમલમ ખાતે સુરત AAPના 5 કોર્પોરેટરોએ સત્તાવાર રીતે કેસરિયો ધારણ કર્યો હતો. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં પાંચેય કોર્પોરેટરો વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.
આપના કોર્પોરેટરો વિપુલ મોવલિયા, ભાવનાબેન સોલંકી, જ્યોતિકાબેન લાઠિયા, મનિષાબેન કુકડિયા અને રૂતા દૂધાતરા ભાજપમાં જોડાયા છે. ગાંધીનગર કમલમ ખાતે આજે તમામ આપ નેતાઓને વિધિવત પક્ષમાં સામેલ કરવામાં આવ્યા હતા. પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ યુવા મોર્ચા પ્રમુખ ઋત્વિજ પટેલ પણ સામેલ થયા હતા. તેમણે આપના કોર્પોરેટરને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું. ભાજપમાં જોડાયેલા કોર્પોરેટર રૂતા દૂધાતરાએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીએ મારા પર અત્યાચાર કર્યો છે. આ અત્યાચાર કરનારા તમામ સામે ફરિયાદ કરીશ. બીજા કોર્પોરેટર ભાવના સોલંકીએ કહ્યું હતું કે, ચૂંટણી પહેલાં અમારામાં આમ આદમી પાર્ટી પ્રત્યે ઉત્સાહ હતો. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે પાર્ટી દલિત અને ST સમાજને પછાત ગણે છે. આ સમાજના કાર્યકરો સાથે ભેદભાવ ભર્યું વર્તન થાય છે.
કોર્પોરેટર જ્યોતિકા લાઠિયાએ કહ્યું હતું કે, અમે પૈસા લીધા હોય તો સાબિત કરી બતાવો. અમે દબાણને કારણે કંટાળીને પક્ષ છોડ્યો છે. અમારી પર દરેક વસ્તુ કેવી રીતે કરવાની તેનું દબાણ કરવામાં આવતું હતું. આપના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ ગંભીર આક્ષેપો કરતાં કહ્યું હતું કે, પૈસાની લાલચથી કોર્પોરેટરો ભાજપમાં જોડાયાં છે. વિપુલ મોવલિયા ભ્રમિત કરીને કોર્પોરેટરોને ભાજપમાં લઈ ગયો છે. કોર્પોરેટરો પર દબાણ કરવામાં આવતું હતું. સી.આર.પાટીલના બે મળતીયાઓએ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને પૈસા આપ્યાં છે.