Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, કયા જિલ્લાને વધારે અસર થશે?

rain alert
, શુક્રવાર, 23 મે 2025 (07:35 IST)
અરબી સમુદ્રમાં ગોવા અને કોકણના દરિયાકાંઠા પાસે એક લૉ-પ્રેશર એરિયા બની ગયો છે. જેના પગલે ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવે આ સિસ્ટમ આગળ વધશે અને હજી પણ તે મજબૂત બનવાની શક્યતા છે.
 
હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ સિસ્ટમ 30થી 36 કલાકમાં વધારે મજબૂત બનશે અને ઉત્તર તરફ આગળ વધવાની શક્યતા દેખાઈ રહી છે.
 
અરબી સમુદ્રમાં બનેલી આ લૉ-પ્રેશર એરિયાને કારણે ભારતના પશ્ચિમ દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. સિસ્ટમ જ્યારે આગળ વધાવની શરૂઆત કરશે તે સાથે જ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ તેની અસર શરૂ થવાની શક્યતા છે. સામાન્ય રીતે ચોમાસા પહેલાં આ વિસ્તારમાં સર્જાતાં વાવાઝોડાં કઈ તરફ જશે તેના વિશે વહેલું પૂર્વાનુમાન કરવું મુશ્કેલ હોય છે. 
 
આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં અને ગુજરાત પર આવશે?
હાલ આ સિસ્ટમ કોકણ અને ગોવાના દરિયાકાંઠા પાસે છે આગામી 36 કલાકની આસપાસ કે તેના કરતાં પહેલાં તે હજી મજબૂત બનશે અને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. વાવાઝોડું બનતા પહેલાં આ સિસ્ટમને વધારે મજબૂત બનવું પડે તે માટે દરિયાના પાણીમાં લાંબો સમય સુધી રહેવું જરૂરી છે. જેથી તેને તાકાત મળતી રહે.

 
હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ ખૂબ વધારે મજબૂત બનીને વાવાઝોડું બને તેવી શક્યતા ઓછી છે કારણ કે તેની એક સાઇડ જમીન પર અને એક સાઇડ દરિયા પર રહે તેવી સંભાવના છે. જેથી તેને વધારે પ્રમાણમાં ઍનર્જી નહીં મળે અને કદાચ તે વાવાઝોડું બને તે પહેલાં જ જમીન પર આવી જાય તેવી શક્યતા છે.
 
હજી પણ હવામાનનાં વિવિધ મૉડલો એ પૂરતી રીતે દર્શાવી શકતાં નથી કે આ સિસ્ટમ કઈ તરફ જશે, મોટા ભાગનાં મૉડલો અલગ અલગ સ્થિતિ દર્શાવે છે.
 
ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમૅટના જણાવ્યા પ્રમાણે હાલના સમયમાં બનતાં તોફાનો સામાન્ય રીતે ખૂબ સ્પષ્ટ હોતાં નથી. એટલે કે તે કેટલાં મજબૂત બનશે અને કેટલા સમયમાં મજબૂત બનશે તે નક્કી કરવું મુશ્કેલ હોય છે. આ પ્રકારનાં તોફાનો ઘણી વખત કેટલાક સમય સુધી દરિયામાં જ ફર્યા કરે છે અને પછી કોઈ પણ દીશામાં જઈ શકે છે.
 
વાવાઝોડાં કઈ તરફ જશે તેનો આધાર ઉપરના સ્તરે ફૂંકાતા પવનો પર હોય છે. એટલે કે ઉપરના સ્તરોમાં બનતાં એન્ટિ-સાયક્લૉન વાવાઝોડાં માટે સ્ટિયરિંગ વ્હિલનું કામ કરે છે. એટલે કે આ પવનો વાવાઝોડાને દીશા આપે છે.સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે હાલ ઉપરના સ્તરે હાલ અરબી સમુદ્ર પર એક ઍન્ટિ-સાયક્લૉન અને એક રિઝ બનેલી છે. આ ઉપરાંત દીશા નક્કી કરનારા સ્ટિયરિંગ કરંટમાં અનિશ્ચિતતા દેખાઈ રહી છે. જેથી હાલ આ સિસ્ટમનો ટ્રેક નક્કી કરી શકાયો નથી.
 
હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમની અસર ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા પર વધારે થવાની શક્યતા દેખાઈ રહી છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આજે ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વાવાઝોડાનો અસર : 100 કિલોમીટરની પવન, ગુજરાતમાં ત્રાટકશે વાવાઝોડું! અંબાલાલની ભયાનક આગાહી