Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર સમગ્ર દેશમાં માત્ર ઇલેક્ટ્રિક વેહિકલ ધરાવતો પ્રથમ વિસ્તાર બનશે

સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર સમગ્ર દેશમાં માત્ર ઇલેક્ટ્રિક વેહિકલ ધરાવતો પ્રથમ વિસ્તાર બનશે
, રવિવાર, 6 જૂન 2021 (21:05 IST)
માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અખંડ ભારતના ઘડવૈયા ભારતરત્ન, લોખંડી પુરુષ, સરદાર સાહેબને યોગ્ય શ્રદ્ધાંજલિ આપવા માટે તેમજ આવનાર પેઢી ભારત નિર્માણમાં સરદાર સાહેબે આપેલ યોગદાનને યાદ કરીને ગૌરવની લાગણી અનુભવે તે માટે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા કેવડિયામાં સ્થાપિત કરી છે. 
 
સાથે સાથે ઇકો ટુરીઝમના વિકાસ થકી આ સમગ્ર આદિવાસી વિસ્તારની સામાજિક આર્થિક પ્રગતિને પ્રોત્સાહન આપવા અનેકવિધ પ્રવાસીય પ્રકલ્પ અમલમાં મુક્યા છે તેના કારણે આજે આ સ્થળ વિશ્વકક્ષાનું પ્રવાસન સ્થળ બન્યું છે સાથે સાથે સ્થાનિકોને વિવિધ રોજગારી આપવાનું ઉદાહરણરૂપ કાર્ય પણ થયું છે. 
 
પ્રવાસન સ્થળનો વિકાસ પર્યાવરણીય જાળવણી તથા સંવર્ધન સાથે થાય તે માનનીય વડાપ્રધાનની દૂરંદેશી ભરી નીતિ રહી છે. આ દિશામાં વધુ એક અજોડ કદમ ઉઠાવતા, આ વિસ્તારમાં પ્રદૂષણ ઓછું થાય તેવા સહિયારા પ્રયાસોનાં ભાગરૂપે બેટરી સંચાલીત વાહનો ચલાવવાનો નિર્ધાર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ પર્યાવરણ દિને વ્યક્ત કર્યો છે અને તેને સાકાર કરવા માટે ઉચિત સબસીડી પણ આપવામાં આવશે.
 
* વડાપ્રધાનના આ નિર્ણયથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર સમગ્ર દેશમાં માત્ર ઇલેક્ટ્રિક વેહિકલ ધરાવતો પ્રથમ વિસ્તાર બનશે.
 આ સમગ્ર યોજના SOUADTGA વિસ્તારમાં તબક્કાવાર લાગુ કરાશે અને જાહેર કરાયેલા વિસ્તારમાં માત્ર ઇલેક્ટ્રિક વાહનો ફેરવી શકાશે.
 
* પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરાતી બસો પણ ડિઝલના બદલે ઇલેક્ટ્રિક બસો વપરાશે.
 
* SOUADTGA વિસ્તારનાં રહેવાસી પુખ્ત વયના વ્યક્તિને દ્રી-ચક્રી ઇ-વાહન ખરીદવા સહાય આપવામાં આવશે. 
 
* દ્વિચક્રી વાહનના લાભાર્થીને GEDA દ્રારા આપવામાં આવતી સહાય ઉપરાંત SOUADTGA તરફથી પણ ઉચિત સબસીડી આપવામાં આવશે. 
 
* SOUADTGAનાં અધિકારી/કર્મચારી માટે પણ આ યોજના લાગુ કરાશે, લાભાર્થી અધિકારી/કર્મચારી માટે સબસીડી સિવાયની બાકીની રકમ અધિકારી/કર્મચારીએ ચૂકવવાની રહેશે અથવા લોન લેશે તો સરળ હપ્તામાં પગારમાંથી કપાત કરવાની સુવિધા આપવામાં આવશે.  
 
* લાભાર્થીએ આ વિસ્તારમાં પેટ્રોલ-ડીઝલનાં વાહનો ન ચલાવવાની બાંહેધરી આપવાની રહેશે. 
 
* ઇ-રીક્ષા ચલાવનાર કંપનીએ SOUADTGA વિસ્તારમાં ઓછામાં ઓછી ૫૦ રીક્ષા પ્રારંભે ચલાવવાની રહેશે. 
 
* ઇ-રીક્ષા માટે ચાલકની પસંદગીમાં SOUADTGA વિસ્તારની મહીલાઓ અને હાલના રીક્ષાચાલકોને રોજગારી મળી રહે તે માટે પ્રાધાન્ય આપવામાં આવશે.
 
* ઇ-રીક્ષા ચલાવનાર કંપનીએ આ માટે સ્માર્ટ મોબાઈલ એપ વિકસાવવાની રહેશે જેમાં વિવિધ પ્રવાસીય સ્થળો અને અંતર અને નિયત ભાડા સહિતનો ઉલ્લેખ હશે.
 
* મહિલા ચાલકને કેવડીયા ખાતેનાં સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર ખાતે વાહન ચલાવવાની વિધિસરની તાલીમ નિ:શુલ્ક આપવામાં આવશે.
 
* ઇ-વાહનનો મેઇનટેનન્સ વર્કશોપ તથા ચાર્જિંગ સ્ટેશન પણ અત્રે ઊભા કરાશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે કેવડિયા ખાતે પ્રદુષણ ફેલાવતા કોઈ ઉદ્યોગો નથી, બે જળ વિદ્યુત મથકો છે જે વિપુલ પ્રમાણમાં પર્યાવરણીય મિત્ર જેવી વિદ્યુત ઉત્પન્ન કરે છે. આ વિસ્તારને માત્ર ઇલેક્ટ્રિક વેહિકલ માટે આરક્ષિત કરાતાં હવા અને અવાજનું પ્રદુષણ ઘટશે અને આ અજોડ પ્રવાસન સ્થળની યશકલગીમાં એક પીછું ઉમેરાશે. 
 
એટલું જ નહીં પણ ભારતના અને વિશ્વના વિવિધ સ્થળોએથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ આ વ્યવસ્થા નિહાળીને પર્યાવરણની જાળવણી માટે વધુ સજાગ અને પ્રોત્સાહિત બનશે અને અહીંથી એ સંદેશો લઈને પરત જશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યના અનેક જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી