- વડોદરા શહેર પોલીસ કમિશનરે SITની રચના કરી
- 7 પોલીસ અધિકારીઓનો સમાવેશ
- હરણી લેકઝોનની એન્ટ્રી-એક્ઝિટ કોર્પોરેશને સીલ કરી
વડોદરામાં હરણી તળાવમાં ઘટેલી બોટ દુર્ઘટનામાં 14 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયાં છે. શિક્ષકો સહિત નાના ભૂલકાંઓ તળાવમાં ડૂબી જવાની ઘટનાના પડઘા હવે હાઈકોર્ટમાં પડ્યાં છે. એડવોકેટ એસોસિએશન દ્વારા હાઈકોર્ટને સમગ્ર ઘટનામાં સુઓમોટો લેવા માટે વિનંતી કરવામાં આવી છે.હાઈકોર્ટે એસોસિએશનને અહેવાલ રજૂ કરવા કહ્યું છે. કોર્ટ સમાચારપત્રોમાં આવેલા અહેવાલો પણ રજૂ કરવાનો હૂકમ કર્યો છે. બીજીબાજુ આ દુર્ઘટનાની તપાસ માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે SITની રચના કરી છે. તળાવ દુર્ઘટના બાબતે દાખલ થયેલ ગુનાની તટસ્થ અને સચોટ તપાસ કરવા અધિક પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને સીટની રચના કરવામાં આવેલ છે અને ગુનાની તપાસ ACP ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવેલ છે.
7 પોલીસ અધિકારીઓનો સમાવેશ
અધિક પોલીસ કમિશનર મનોજ નિનામાના અધ્યક્ષ સ્થાને આ ટીમની રચના કરવામાં આવી છે. જેમાં 7 પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પન્ના મોમાયા, ના.પો.કમિશનર, ઝોન-4, વડોદરા શહેર (સુપરવિઝન અધિકારી), યુવરાજસિંહ જાડેજા, ના.પો.કમિશનર, ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા શહેર (સુપરવિઝન અધિકારી), એચ.એ.રાઠોડ, મદદનીશ પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા શહેર (તપાસ અધિકારી), સી.બી.ટંડેલ, PI, હરણી પોલીસ સ્ટેશન, વડોદરા શહેર (સભ્ય), એમ.એફ.ચૌધરી, PI, ક્રાઇમ બ્રાન્ચ, વડોદરા શહેર (સભ્ય), પી.એમ.ધાકડા, PSI, ડી.સી.બી. પો.સ્ટે., વડોદરા શહેર (સભ્ય)નો સમાવેશ કરવામાં આવ્યો છે.
હરણી લેકઝોનની એન્ટ્રી-એક્ઝિટ કોર્પોરેશને સીલ કરી
વડોદરા હરણી લેકઝોનની તમામ એન્ટ્રી-એક્ઝિટ કોર્પોરેશને સીલ કરી છે. ફૂડ કોર્ટની દુકાનો પણ સીલ કરવામાં આવી છે. અને ગુનો દાખલ થયો હોવાથી પરિસરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે. અને જો કોઇ લેક ઝોનમાં પ્રવેશ કરશે તો અંગે કાર્યવાહી કરાશે.આ મામલે મેસર્સ કોટિયા પ્રોજેક્ટના સંચાલકો વિરુદ્ધમાં હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બેદરકારી તથા નિષ્કાળજી દાખવવા બદલ 18 લોકો સામે 304, 308, 337, 338, 114 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ મામલે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ત્રણ શખસની અટકાયત કરી છે.