હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે આજે કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. કચ્છમાં પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં અને કોલેજોમાં ત્રણ દિવસની રજા જાહેર કરાઈ છે. બીજી તરફ, દ્વારકા,પોરબંદર, જામનગર, મુન્દ્રા, માંડવી અને જખૌ પોર્ટ પર 10 નંબરનું અતિભયસૂચક સિગ્નલ લગાવાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબંધિત મંત્રીઓને દરિયાકાંઠાના અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોંપી છે. ત્યારે ગઈકાલે જૂનાગઢના માંગરોળના દરિયામાં ભારે તોફાન જોવા મળ્યું હતું. 15 ફૂટ ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં. ભારે તોફાનને કારણે દરિયાકાંઠા પરના પથ્થરો ઊછળીને બહાર આવ્યા હતા અને માછીમારોના દંગામાં દરિયાના પાણી ઘૂસી ગયા હતા. તો યાત્રાધામ હર્ષદમાં પણ બજારમાં દરિયાનાં પાણી ફરી વળ્યાં હતાં.