રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોની અનેક સમસ્યાઓ છે, જે અંગે અનેક રજૂઆત પણ થઈ ચૂકી છે. જેમાંથી મોટા ભાગના સમસ્યા હજુ યથાવત જ છે. શૈક્ષણિક સ્ટાફની તો અછત છે સાથે બિન શૈક્ષણિક સ્ટાફમાં પટ્ટાવાળાની પણ અછત છે. જેને પગલે પટ્ટાવાળાની કામગીરી પણ શિક્ષક તથા આચાર્યએ કરવી પડે છે.
આ અંગે સંચાલક મંડળે પટ્ટાવાળાની ભરતી કરવા પત્ર લખીને જાણ કરી છે.રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ગ્રાન્ટેડ સ્કૂલોમાં સરકાર ગ્રાન્ટ આપે છે. તો સરકારની જ ફરજ છે કે સ્કૂલોમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવી. અગાઉ ભરતીના અધિકારી સંચાલકો પાસે હતા, પરંતુ 2011માં કેટલાક ફેરફાર કરીને ભરતીના અધિકાર શિક્ષણ વિભાગે લઈ લીધા છે. શિક્ષણ વિભાગની અનિયમિતતાને કારણે જ ગ્રાન્ટેડ સ્કૂલોમાં માધ્યમિકમાં 7 હજાર, ઉચ્ચતર માઘ્યમિકમાં 3 હજાર શિક્ષકો અને 2 હજાર આચાર્યની અછત છે. આ જ સ્થિતિ બિનશૈક્ષણીક સ્ટાફમાં પણ છે. પટ્ટાવાળાની જગ્યા ખાલી છે. 800 ગ્રાન્ટેડ સ્કૂલોમાં પટ્ટાવાળા નથી, જેથી પટ્ટાવાળાની કામગીરી પણ શિક્ષક તથા આચાર્યએ કરવી પડે છે. સ્કૂલોમાં આચાર્ય અને શિક્ષકોએ પટ્ટાવાળાની જગ્યાએ ઘંટ વગાડવા પડે છે. શિક્ષકોએ બાળકો પાસે સાફ સફાઈ કરાવવી પડે છે. સાફ સફાઈ ન થાય તો સ્કૂલોમાં જ ગંદકી રહે છે. 2011થી અત્યાર સુધી સ્કૂલમાં આ પ્રકારની સ્થિતિ છે.