આજે ગુજરાતના પાટનગર ગાંઘીનગરમાં રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. ત્યારે કોંગ્રેસના રાજ્યસભાના ઉમેદેવાર અહેમદ પટેલે પોતાની જીતનો દાવો કર્યો હતો એટલું જ નહીં થોડા દિવસ પહેલા કોંગ્રેસને રામ રામ કરનાર શંકરસિંહ વાઘેલા અને તેમના જૂથના 7 ધારાસભ્યો ઉપરાંત એન.સી.પી અને જે.ડી.યુના ધારાસભ્યો પણ પોતાની તરફેણમાં મતદાન કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ત્યારે સ્વર્ણિમ સંકુલ-2માં મતદાન કર્યા બાદ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, કોંગ્રસ હારી રહી છે ત્યારે મારો વોટ શું કામ આપવો? એ જોતા બાપુનો વોટ અહેમદ પટેલ માટે હાનિહારક રહ્યો હતો. શંકરસિંહે તેમને વોટ આપ્યો ન હતો. તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસની પાસે અત્યારે 40 પણ ધારાસભ્યો રહ્યા નથી.
રાજ્યસભાની ત્રણ બેઠકની ચૂંટણીના જંગમાં છેલ્લા 15 દિવસોમાં અનેક દિલધડક અને રસપ્રદ વળાંક આવ્યા. હવે રોમાંચ ધરાવતા આ રાજકીય રંગમંચ પરના નાટકનો છેલ્લો મંગળવારે છેલ્લો અંક ભજવાઈ રહ્યો છે. મુખ્યમંત્રી રુપાણીએ ભારે વિશ્વાસ સાથે જણાવ્યું છે કે, ‘અહેમદભાઈ હારશે, જરૂરથી હારશે તેમજ ભાજપ પોતાની ત્રણેય બેઠકો જીતી જશે.’ મુખ્યમંત્રી રુપાણીએ કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યો પોતાની પાર્ટીના વશમાં નથી. કોંગ્રેસને પોતાના ધારાસભ્યો પર વિશ્વાસ નથી અને તેથી જ એક તરફ ગૂજરાતમાં પૂરની સ્થિતિમાં લોકો દુ:ખી હોવા છતાં કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને લઈને બેંગલૂરૂના રિસોર્ટમાં મોજ મજા કરવા માટે 10 દિવસ સુધી જતા રહ્યા હતા. કોંગ્રેસ ફક્ત ભાજપને બદનામ કરવાના પ્રયત્નો કરે છે. કોંગ્રેસના આરોપોમાં કોઈ તથ્ય નથી કારણકે તેમણે માંગી તેવી સુરક્ષા તેમના ધારાસભ્યોને આપવામાં આવી છે. તેમના તમામ ધારાસભ્યો સુખરૂપ આણંદના રિસોર્ટમાં પહોંચી ગયા છે.