પ્રાણજીવન હોસ્ટેલમાં જે રૂમમાંથી દારૂની બોટલ મળી તે રૂમ સીલ કરાયો, દારૂ પીનારા વિદ્યાર્થીઓ ગુમ
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાંથી ગાંજાના છોડ મળી આવ્યા બાદ ગૂજરાત વિદ્યાપીઠની હોસ્ટેલમાંથી દારૂની બોટલ મળી આવતાં વિદ્યાના ધામમાં આવી અસામાજિક પ્રવૃત્તિઓને લઈને તંત્ર, પોલીસ અને સરકાર સામે સવાલો ઉભા થઈ રહ્યાં છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાની સરેઆમ ઘોર ખોદાઈ રહી છે ત્યારે ગાંધીના વિદ્યાધામમાં હવે દારૂની બોટલો મળતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
વિદ્યાર્થીનું એડમિશન પણ રદ કરી દેવામાં આવ્યું
અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રાણજીવન છાત્રાલયના રૂમ નંબર 41માંથી દારુની બોટલો મળી આવી છે. આ ઘટના બાદ રૂમને સીલ કરી દેવામાં આવ્યો છે. જે રૂમમાંથી દારૂની બોટલો પકડાઈ છે તે રૂમનો વિદ્યાર્થી પીએચડીનો અભ્યાસ કરી રહ્યો હતો. સુત્રો એવું પણ જણાવી રહ્યાં છે કે આ વિદ્યાર્થીનું એડમિશન પણ રદ કરી દેવામાં આવ્યું છે. આ અંગે વિદ્યાપીઠના તંત્ર દ્વારા જણાવાયું છે કે, દારૂની બોટલ ક્યાંથી આવી તેની તપાસ શરૂ કરાઈ છે આ શરમજનક બાબત છે. જે રૂમમાંથી દારૂની બોટલ મળી તે રૂમને સીલ કરી દેવાયો છે અને વિદ્યાર્થીનું એડમિશન પણ રદ કરી દેવામાં આવ્યું છે.
વિદ્યાપીઠ માટે ખૂબ જ શરમજનક બાબત
ગુજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર ભરત જોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત વિદ્યાપીઠ માટે ખૂબ જ શરમજનક બાબત છે. હોસ્ટેલ વિભાગના જે વડા છે. તેમના દ્વારા તપાસ કરવામાં આવી હતી અને આ દારૂની બોટલ મળી આવી છે. જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેતા નથી અને વિદ્યાપીઠમાં અભ્યાસ નથી કરતાં એવા બહારના વિદ્યાર્થીઓ આવીને વ્યસન તેમજ અખાદ્ય વસ્તુઓનું સેવન કરતા હોવા અંગેની માહિતી મળી હતી. જેના મામલે તપાસ કરવામાં આવી હતી અને તેમાં દારૂની બોટલ મળી આવી છે. ઇતિહાસ વિભાગમાં પીએચડી કરતા વિદ્યાર્થીના રૂમમાંથી દારૂની બોટલ મળી આવી છે.