જસદણના આટકોટ અને હનુમાન ખારચીયા ગામ વચ્ચે આજે સવારે સ્કૂલવેન અને કાર વચ્ચે સામસામી ધડાકાભેર ટક્કર થઈ હતી. જેમાં ધો.5ની વિદ્યાર્થિની ગૌરી નું મોત નીપજ્યું છે જ્યારે 8 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી અને 108 મારફત ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે મૃતક વિદ્યાર્થિનીના મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
એસેન્ટ કાર સાથે સ્કૂલવેન સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેમાં એસેન્ટ કાર રોડ નીચે ઉતરી ગઈ હતી. અકસ્માત થતા ઘટનાસ્થળે સેવાભાવી લોકો દોડી ગયા હતા અને સ્કૂલવેનના ડ્રાઇવરને જેકની મદદથી એક કલાકની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્તમાં સ્કૂલવેનના ડ્રાઇવર સંજયભાઈ બાવળિયા, સોમીરાણા ભરતસિંગ, હેમાની રાણા, ભોળાભાઈ રામાણી, ચંદ્રિકાબેન રામાણી, દયાબેન રામાણી, શિલ્પાબેન રામાણી અને યુગ રામાણીનો સમાવેશ થાય છે.હનુમાન ખારચીયા ગામ તરફથી સ્કૂલવેન આવી રહી હતી ત્યારે ગોંડલ હાઈવે પર ગોળાઈમાં સામેથી આવતી એસેન્ટ કાર તેની સાથે ધડાકાભેર અથડાઇ હતી. સ્કૂલવેન જસદણની એકલવ્ય સ્કૂલની હતી અને અંદર ચાર વિદ્યાર્થી બેઠા હતા. જેમાં ધો.5ની વિદ્યાર્થિની ગૌરી અજયસિંગનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે વિદ્યાર્થી સહિત કારમાં સવાર 7 વ્યક્તિ સહિત 8ને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ બનતા જ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.