ધોળાવીરા વિશે માહિતી- ગુજરાતના કચ્છ જિલ્લામાં સ્થિત હડપ્પાકાલીન (Harappan sites in India,) સ્થળ ધોલાવીરને વિશ્વ વિરાસત સ્થળનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ પ્રાચીન નગરની ઇમારતો અને માળખાનું નિર્માણ તત્કાલિકન હડપ્પા અને મોહેંજો દડોની માફક ઇંટ વડે નહી પરંતુ પથ્થરોથી કરવામાં આવ્યું હતું.
ધોળાવીરા(Dholavira) ને પોર્ટના શહેર લોથલથી પણ જૂનો ગણવામાં આવે છે. આ શહેરને જ્યામિતીય યોજના હેઠળ વસાવવામાં આવ્યું હતું. આ પોતાનામાં ખૂબ અદ્રિતીય શહેર હતું જ્યાં સંપૂર્ણ વોટર સિસ્ટમ મળી આવી છે. અહીં લોક જળ સંગ્રહ સિસ્ટમ માટે જાણિતા હતા. સાથે જ વરસાદના પાણીનો જળ સંગ્રહ કરતા હતા.
આ નગરીય સભ્યતા એક શાનદાર ઉદાહરણ કરવામાં આવે છે. અહીં 77 લાખ લીટર પાણીના સંગ્રહની એક મોટી ટાંકીના અવશેષો, તળાવ, કુવા, સ્નાનાગર જેવી સંરચના મળી આવી. આ નગરમાં ગટર, જળ સંચયન તથા સંરક્ષણની સુનિયોજિત તથા સક્ષમ વ્યવસ્થાઓ વિકસિત કરવામાં આવી હતી જે આજે પણ દ્રષ્ટાંત સમાન છે.
ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે જે કચ્છના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલું છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે અને એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતા તેવું અનુમાન છે. આખું નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી વગેરે જોવા જેવું છે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા તરીકે ઓળખે છે. મૂળ તો આ સ્થળ ધોળાવીરા ગામની નજીક આવેલું હોવાને કારણે તેનું નામ ધોળાવીરા પડી ગયું છે.
આ ધરોહરના બે ભાગ છે. એક ભાગમાં દિવાલથી ઘેરાયેલું શહેર અને છે, તેની પશ્ચિમ તરફ બીજા ભાગમાં કબ્રસ્તાન આવેલું છે. આ શહેર લગભગ 1500 વર્ષ સુધી વિકસ્યું હતું. ધોળાવીરા ખાતે ખોદકામ કરવામાં આવતાં સાત સાંસ્કૃતિક તબક્કાઓ મળી આવ્યા હતા. જે સિંધુ ખીણની સંસ્કૃતિના વિકાસ અને પતનનો પુરાવો આપે છે. આ ઉપરાંત ધોળાવીરાના બે ખુલ્લા મેદાન અને જળ સંચય પદ્ધતિ સંશોધકો માટે રસનો વિષય રહી છે. આ સિંધુ ખીણની સંસ્કૃતિની સૌથી પ્રભાવશાળી પુરાતત્વીય સાઇટ્સ છે અને આ શહેર તેના સમયના સૌથી ભવ્ય સ્થળોમાંનું એક હતું.
ધોળાવીરા દેશની 40મી વર્લ્ડ હેરિટેજ સાઇટ બની છે. આર્કિયોલૉજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવવા યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સેન્ટરને નોમિનેશન માટે ડોઝિયર 2018માં મોકલ્યું હતું. જે બાદ તેને સમાવવા માટે રજૂઆતો થતી હતી. 2021માં ધોળાવીરાને વિશ્વની ધરોહરની યાદીમાં સ્થાન મળ્યું છે. આ સાથે તાજેતરમાં તેલંગણાના કાકતીયા રુદ્રેશ્વર મંદિરને પણ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન અપાયું છે. યુનેસ્કોએ તેની વેબસાઇટ પર ધોળાવીરાને દક્ષિણ-પૂર્વ એશિયાની શ્રેષ્ઠ સંરક્ષિત શહેરી વસાહતોમાંની એક ગણાવી છે.