રાજકોટ સહિત રાજયભરની સરકારી અને ગ્રાન્ટેડ શાળા-કોલેજોમાં ઓનલાઈન હાજરીની સીસ્ટમ લાગુ કરી દેવાયા બાદ હવે રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શાળા-કોલેજોમાં મોબાઈલ ફોન વાપરવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવેલ છે.
જેમાં હાજરી માટે મોબાઈલ એપ્લીકેશન ખાસ લોંચ કરવામાં આવેલ છે. સરકારી શાળાઓ અને કોલેજોમાં શિક્ષકો અને અધ્યાપકો મોબાઈલ મારફતે જ ઓનલાઈન હાજરી પૂરી રહ્યા છે.
ત્યારે હવે શાળા કોલેજોમાં મોબાઈલ વાપરવા પર પ્રતિબંધ મૂકતો શિક્ષણ વિભાગના નાયબ સચિવ બી.જે. બ્રહ્મભટ્ટ દ્વારા પરિપત્ર ઈશ્યુ થતા શિક્ષણ વિભાગની બેધારી નીતિ ટીકાપાત્ર બની છે. શાળા કોલેજોમાં મોબાઈલ પર મૂકાયેલા પ્રતિબંધના પગલે શિક્ષકો- અધ્યાપકોમાં કચાવટ જાગેલ છે. આ મૂકાયેલા પ્રતિબંધના પગલે અધ્યાપકો-શિક્ષકોને મોબાઈલ મારફતે હાજરી પુરવામાં છૂટછાટ અપાશે કે કેમ? તે પણ પ્રશ્ર્ન ઉદભવેલ છે.
શિક્ષણ વિભાગના નાયબ સચિવ બી.જે. બ્રહ્મભટ્ટ દ્વારા આ અંગે ઈશ્યુ કરાયેલા પરિપત્રમાં જણાવ્યું છે કે ધોરણ 12 સુધીની એટલે કે તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓએ મોબાઈ ફોનલઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ શાળાઓના શિક્ષકો સહીત તમામ કર્મચારીઓ તથા શાળામાં આવતા વાલીઓ સહીતના મુલાકાતીઓ વર્ગખંડ, ગ્રંથાલય, પ્રયોગશાળા કે શૈક્ષણિક બાબત સાથે સંકળાયેલા કોઈપણ જગ્યાએ મોબાઈલ વાપરી શકશે નહિ.
કોલેજ સ્તરે ધોરણ 12 પછી પણ વર્ગખંડ, ગ્રંથાલય, પ્રયોગશાળા કે શૈક્ષણિક બાબત સાથે સંકળાયેલા કોઈપણ જગ્યાએ વિદ્યાર્થીઓ, શિક્ષકો સહીત તમામ કર્મચારીઓ તથા વાલીઓ સહીતના તમામ મુલાકાતીઓ મોબાઈલ વાપરી શકશે નહિ.
શાળાઓ બિલ્ડીંગમાં મધ્યસ્થ જગ્યાએ લેન્ડ લાઈન ફોનની સુવિધા રાખવા ભલામણ કરવામાં આવે છે. જેથી કટોકટીના સમયે જરૂર પડયે કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ ફોન કરી શકે, આવા ફોન પર આવેલ સંદેશાઓ સત્વરે સંબંધીત કર્મચારી વિદ્યાર્થીઓને પહોંચતા કરવાના રહે તે માટેની વ્યવસ્થા ગોઠવવાની જવાબદારી શાળાના આચાર્યની રહે. શાળા કોલેજોમાં મોબાઈલ પરના પ્રતિબંધથી હાજરી અંગેના પ્રશ્ર્નો ઉપસ્થિત થયેલ છે.