સરદાર સરોવર ડેમ નજીક આવેલા ધરતીકંપના અહેવાલ અંગે નર્મદા ડેમના મુખ્ય ઇજનેરે કરી સ્પષ્ટતા
વડોદરા: કેટલાક પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં સરદાર સરોવર ડેમ નજીક આવેલ ધરતીકંપ અંગે પ્રસિધ્ધ-પ્રસારિત થયેલા અહેવાલો સંદર્ભે સરદાર સરોવર નર્મદા નિગમ લિ., વડોદરા ખાતેના ડેમ વિભાગના મુખ્ય ઇજનેરદ્વારા સ્પષ્ટતા કરતા જણાવાયું છે કે, ઇન્સ્ટીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ- ગાંધીનગર તરફથી જણાવ્યાનુસાર ધરતીકંપ તા.૧૮/૦૭/૨૦૧૯ના રોજ સવારે ૨:૧૫ કલાકે(મોડી રાત્રે) આવ્યો છે અને રિક્ટર સ્કેલ અનુસાર ૩ની તિવ્રતા ધરાવે છે. આ ધરતીકંપનુ એપી સેન્ટર સરદાર સરોવર ડેમ સાઇટથી ૫૩ કિ.મી. દૂર છે અને ફોકલ ડેપ્થ ૧૩.૬ કિ.મી.ધરાવે છે.
ડેમના મુખ્ય ઇજનેર તરફથી કરાયેલી ઉક્ત સ્પષ્ટતામાં વધુમાં જણાવ્યા મુજબ સરદાર સરોવર બંધના આલેખન માટે સ્વીકારાયેલા ધારાધોરણ અનુસાર ડેમની ડિઝાઇન રિક્ટર સ્કેલ અનુસાર ૬.૫ની તિવ્રતા ધરાવતા અને એપી સેન્ટર સરદાર સરોવર ડેમથી ૧૨ કિ.મી. ની ત્રિજ્યામાં તથા ૧૮ કિ.મી. ની ફોકલ ડેપ્થ ધરાવતા ધરતીકંપ માટે કરવામાં આવી છે.
આમ, આ ધરતીકંપથી સરદાર સરોવર તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાંધકામને કોઇ અસર થાય તેમ નથી આમ, સલામતીના ઉત્તમ ધારાધોરણો અપનાવાયેલ હોવાથી સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તદ્દન સલામત છે, તેમ મુખ્ય ઇજનેર, ડેમ અને વડોદરા એસ.એસ.એન.એન.એલ. વડોદરા દ્વારા જણાવ્યું હતું.