ધો.1 માં RTE પ્રવેશ માટેની હાલ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે રાજ્યની 846 ખાનગી સ્કૂલોમા ઝીરો બેઠક થઈ ગઈ છે.જેના લીધે આ વર્ષે 20 હજારથી વધુ બેઠકો ઘટી છે.જ્યારે ગત વર્ષે અને આ વર્ષે કુલ મળીને બે વર્ષમા 34 હજાર બેઠકો ઘટતા ગરીબ વાલીઓને મોટું નુકશાન થયુ છે. કારણકે બેઠકો ઘટતા નાછુટકે વાલીઓએ ખાનગી સ્કૂલમાં ઊંચી ફીમાં પ્રવેશ લેવો પડશે.
વર્ષે 2012થી RTE હેઠળ એડમીશન શરુ થયા હતા જે બાદ દર વર્ષે નવું શૈક્ષણિક સત્ર શરુ થાય ત્યારે RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા થાય છે. આ વર્ષે 25 જૂનથી RTE હેઠળ એડમીશન માટે ફોર્મ ભરવાના શરુ કરવામાં આવ્યા. શરૂઆતના 3 દિવસમાં જ 9000 જેટલા એડમીશન માટે ઓનલાઈન ફોર્મ ભરાયા હતા.
રાઈટ ટુ એજ્યુકેશન (RTE) એક્ટ હેઠળ ધો.1 માં ખાનગી સ્કૂલોની 25 ટકા બેઠકો પર નક્કી કરેલી કેટેગરીના બાળકોને નિયમાનુસાર મફત પ્રવેશ અપાય છે અને 14 વર્ષ સુધી બાળકનો અભ્યાસ વિના મુલ્યે થાય છે.ગુજરાત સરકારે RTEનો 2012થી સંપૂર્ણ અમલ કરતા ઘણા વર્ષોથી સરકાર દ્વારા સતત પ્રયત્નો અને નવીનતમ પહેલ સાથે પ્રવેશ પ્રક્રિયા કરવામા આવે છે અને તમામ સ્કૂલોને RTE હેઠળ આવરી લેતા છેલ્લા કેટલાક વર્ષોમાં બેઠકો પણ ડબલ થતા 2019માં ધો.1 માં પ્રવેશ માટે એક લાખથી વધુ બેઠકો થતા 1.08 લાખ બેઠકો ઉપલબ્ધ થઈ ગઈ હતી.જો કે બીજી બાજુ આરટીઈ એક્ટના નિયમ મુજબ દર વર્ષે આગલા વર્ષમાં ધો.1 માં જે તે સ્કૂલમાં જેટલા આરટીઈ પ્રવેશ થયા હોય તેને બાદ કરતા બાકીના રેગ્યુલર પ્રવેશ થયા હોય તેના 25 ટકા બેઠકો પ્રમાણે પ્રવેશ અપાય છે.