દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં આજે અચાનક પલટો આવ્યો છે. વહેલી સવારે વલસાડ અને નવાસારી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેને પગલે રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. તેમજ સવારે નોકરી પર જતા લોકો ભીંજાયા હતા.
બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં વીજ પ્રવાહ પણ ખોરવાયો હતો. વલસાડ જિલ્લાના અતુલ, ગુંદલાવ, ગોરવાડા, પારનેરા, ભાગડાવાળા, કોસંબા, ભાગદાખુર્ડ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. અનેક જગ્યાએ ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો. કામ ધંધે જતા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.વલસાડ ઉપરાંત નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો હતો. જિલ્લાની પૂર્વ પટ્ટીમાં વરસાદી ઝાંપટા પડ્યા હતા. ગણદેવી, બીલીમોરા સહિતના વિસ્તારના કેટલાક ગામોમાં વરસાદ પડ્યો હતો. ગરમીને લઈને સમગ્ર જિલ્લામાં ઉકળાટની સ્થિતિ છે. જોકે, વરસાદથી ઠંડકનો અહેસાસ પણ લોકોને થયો છે.નવસારી જિલ્લાના વાતાવરણમાં આજે સવારે અચાનક પલટો આવ્યો હતો. આ બદલાવની અસર ખાસ કરીને જિલ્લાના પૂર્વ પટ્ટીમાં જોવા મળી છે, જ્યાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાંપટા પડ્યા છે. ગણદેવી તાલુકાના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે, જેનાથી હવામાનમાં ઠંડકનો અનુભવ થયો હતો. બીલીમોરા વિસ્તારમાં પણ ઝાંપટા પડ્યા છે, બીજી તરફ નવસારીના શહેરી વિસ્તારોમાં ઉકળાટની સ્થિતિનો અનુભવ થઈ રહ્યો છે. આ અચાનક થયેલા વાતાવરણના ફેરફારને કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે, અને લોકો ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે. લોકોને આ અચાનક પરિવર્તન માટે સતર્ક રહેવું જોઈએ. ભેજ અને ગરમીના કારણે સ્વાસ્થ્યની સમસ્યાઓ વધી શકે છે. જેવી રીતે દેશમાં ચોમાસુ કેરળથી શરૂ થાય છે એવી જ રીતે ગુજરાતમાં પણ ચોમાસુ મુંબઈ તરફથી પ્રવેશે છે પણ હજુ મુંબઈ માં વરસાદના કોઈ ઠેકાણા નથી જેથી ગુજરાતમાં સમયસર ચોમાસુ બેસે તેવા સંકેત દેખાતા નથી.