કેન્દ્રીય રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અગાઉ 11 એપ્રિલ, 2021ના રોજ રેમડેસિવિરનું ઉત્પાદન 33000 વાયલ્સ/દિન હતું તે આજે 10 ગણુ વધીને 3,50,000 વાયલ્સ/દિન થઈ ગયું છે.
મનસુખ માંડવિયાએ વધુમાં જણાવ્યું હતું કે સરકારે એક મહિનામાં રેમડેસિવિરનું ઉત્પાદન કરતા પ્લાન્ટ્સની સંખ્યા પણ 20થી વધારીને 60 પ્લાન્ટ્સની કરી છે. હવે દેશમાં માગ કરતાં પણ પુરવઠો વધુ રહેવાથી રેમડેસિવિરનો પૂરતો જથ્થો છે.
મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે સરકારે હવે રાજ્યોને રેમડેસિવિરની કેન્દ્ર તરફથી ફાળવણી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે આ સાથે નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઈસિંગ એજન્સી અને CDSCOને દેશમાં રેમડેસિવિરની ઉપલબ્ધતા પર સતત દેખરેખ રાખવા નિર્દેશ આપ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકારે કટોકટીની સ્થિતિ માટે 50 લાખ વાયલ્સનો રેમેડેસિવિરનો જથ્થો વ્યૂહાત્મક રીતે જાળવી રાખવાનો પણ નિર્ણય કર્યો છે.