જમ્મુ-કાશ્મીરના રામબનમાં ગુરુવારે એક નિર્માણાધીન સુરંગ તૂટી પડતાં કાટમાળ નીચે દટાયેલા 10 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર આ ટનલનો એક ભાગ તૂટી ગયો હતો અને તેમાં 10 મજૂરો ફસાઈ ગયા હતા. પોલીસ, આર્મી અને રાજ્ય અને રાષ્ટ્રીય આપત્તિ બચાવ દળની ટીમોએ મોટા પાયે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ જિલ્લા અધિકારી મુસરત ઈસ્લામને ટાંકીને કહ્યું કે, તમામ 10 મૃતદેહો મળી આવ્યા છે અને પીડિતોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. આમાંથી પાંચ મૃતદેહો પશ્ચિમ બંગાળના મજૂરોના છે. રેસ્ક્યુ ઓપરેશન બાદ મૃતદેહોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.
રામબન જિલ્લાના પોલીસ અધિક્ષક મોહિતા શર્માએ જણાવ્યું હતું કે, “બીજી એક લાશ મળી આવી છે. પથ્થરો દૂર કરવા માટે મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમે આ બચાવ કામગીરીના અંતને આરે છીએ. જેમને બચાવી શકાય છે તેમને અમે બચાવીશું."