ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પોલીસ કોન્સ્ટેબલથી લઈને અધિકારીઓની આત્મહત્યાના બનાવોના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળ્યો છે. આ બનાવમાં કેટલાક પોલીસ કર્મીઓએ કામના પ્રેશરના લીધે તો કેટલાક પોલીસકર્મીઓએ પ્રેમ પ્રકરણમાં આપઘાત થયો હોવાની વિગતો સામે આવી છે. જેમાં ઘણા કિસ્સાઓમાં મૃતકો પાસેથી સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. ત્યારે રાજકોટથી વધુ એક પોલીસકર્મીની આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે, આ આત્મહત્યામાં પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું પણ જાણવા મળ્યું છે.
રાજકોટના પોલીસ કર્મી પંખા પર લટકીને આત્મહત્યા કરી લેતાં હોબાળો મચી ગયો છે, જોકે આ આત્મહત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું કહેવામાં રહ્યું છે. પરંતુ હેડ ક્વાર્ટરમાં જ પોલીસ કર્મચારીએ જીવનનો અંત આણતાં વિવિધ પ્રકારની વાતો ચર્ચાઇ રહી છે.
રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાં થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ આશિષ દવેએ પંખા પર ચૂંદડી બાંધીને આત્મહત્યા કરી છે. આશિષ દવેએ આપઘાત કરતા પહેલા પોતાના સ્ટેટસમાં શાયરીઓ અને ગીતો મૂક્યા હતા. એક મેસેજમાં તેમણે લખ્યું હતું કે, 'મારી હસ્તી રમતી પરી' જ્યારે બીજા મેસેજની નીચે અંગ્રેજીમાં લખ્યું છે કે, 'only 4 my angel'. ત્યારે આશિષ દવેએ આ શબ્દોનો ઉપયોગ કોના માટે કર્યો છે અને કયા કારણોર આત્મહત્યા કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
હાલ તેમના મોતથી તેમનો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. સમગ્ર મામલે પ્રદ્યુમનનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
9 મહિલા પોલીસકર્મી સહિત 14 પોલીસકર્મીએ કરી આત્મહત્યા
અમદાવાદ શહેર અને જિલ્લાઓમાં છેલ્લા થોડાક વર્ષોમાં 14 પોલીસ કોન્સ્ટેબલો અને અધિકારીઓએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે, જેમા કેટલાક પોલીસ કર્મીઓ પ્રેમ પ્રકરણ અને કેટલાક અધિકારીઓ કામના દબાણના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. આ આપઘાતના બનાવમાં 9 મહિલા પોલીસ કર્મીઓનો પણ સમાવેશ થાય છે. જયારે જીલ્લાઓમાં આપઘાતના 5 બનાવો બન્યા હતા જેમા ઘણા પોલીસ કર્મીઓએ પોલીસ મથકે જ આપઘાત કર્યો હતો. સૌથી વઘારે ગળાફાંસો ખાઈ પોતાના જીવનનો અંત આણ્યો છે. અમદાવાદ શહેરમાં 3 કિસ્સાઓમાં સર્વિસ રિવોલ્વર અને જિલ્લાઓમાં રિવોલ્વરથી આપઘાતના બે બનાવો બન્યા હતા.અને જીલ્લાઓમાં આ 2 બનાવો બન્યા છે.