ગુજરાતમાં ચૂંટણીના ભણકારા વાગતા જ નેતાઓનુ એક પાર્ટીમાંથી બીજા પાર્ટીમાં જોડાવવાના સમાચાર રોજ સાંભળવા મળે છે. જેમા સૌથી વધુ નુકશાન કોંગ્રેસને થઈ રહ્યુ છે. કારણ કે હવે કોંગ્રેસના નેતાઓ પાસે બીજેપી ઉપરાંત આપ જેવી પાર્ટીનુ ઓપ્શન પણ છે. સૌરાષ્ટ્રના કદાવર નેતા ગણાતા એવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને રાજકોટના મહાનગરપાલિકાના પૂર્વ નેતા વશરામભાઈ સાગઠિયા આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટી(AAP)માં જોડાયા છે. તાજેતરમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામભાઈ આમ આદમી પાર્ટીમાં જોડાવવા હોવાની વાત વહેતી થઈ હતી અને કોંગ્રેસ દ્વારા બન્ને નેતાઓ નો સંપર્ક કરી અને તેમને સમજાવવામાં આવ્યા હતા.ઈન્દ્રનીલ ગઈ કાલે દિલ્હીમાં હતાં. તેમણે આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ સાથે મીટિંગ કરી હતી.
કેજરીવાલ પક્ષ માટે નહીં આમ આદમી માટે લડે છે
ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીની નિયતમાં કોઈ ખોટ નથી. એવું દિલ્લી અને પંજાબમાં જીત મેળવી પુરવાર કર્યુ છે. પંજાબમાં જીત બાદ ગણતરીના દિવસોમાં કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે તો એક મેસેજ કરો એવું અભિયાન શરૂ કર્યું છે. જે ગુજરાતમાં દેખાતું નથી.હું એવું માનું છું કે અરવિંદ કેજરીવાલ પક્ષ માટે નહીં આમ આદમી માટે લડે છે. આમ આદમીનો પક્ષ અને સરકાર બને તેનાથી પ્રભાવિત થયો હતો.