રાજ્યમાં કાલથી 5 દિવસ સુધી ફરી કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાત દ્વારા આપવામાં આવી છે. જેને લઈ આજે દક્ષિણ ગુજરાતમાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે.
હાઈવે પર વિઝીબ્લિટી ઘટતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે, તો બીજી તરફ ખેડૂતોમાં ફરી ચિંતા છવાઈ છે.રાજ્ય પર ફરી એકવાર માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં આગામી તારીખ 1થી 5 સુધી ચોમાસા જેવો માહોલ જોવા મળવાની આગાહી કરી છે. તેમજ કેટલાક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કાલે વાદળછાયું વાતાવરણ જોવા મળશે.
2થી 4 ડિસેમ્બર સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે દક્ષિણ ભારતમાં ભારે વરસાદની શક્યતા છે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. જેને પગલે ખેડૂતોમાં હાલ ચિંતાના વાદળ ફરી છવાયા છે.કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે. ખાસ કરીને વલસાડ અને નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. હાઈવે પર ઘુમ્મસ છવાતાં વિઝિબ્લિટી ઘટી હતી. જેથી વાહનચાલકોને ખુબ હાલાકી પડી હતી.