Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ : માર્ગો અસરગ્રસ્ત થયા છે, રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સંચાલિત એસ.ટી બસોના ૫૫ રૂટ બંધ કરાયા

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ :  માર્ગો અસરગ્રસ્ત થયા છે, રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સંચાલિત એસ.ટી બસોના ૫૫ રૂટ બંધ કરાયા
, મંગળવાર, 14 સપ્ટેમ્બર 2021 (13:23 IST)
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેમાં રાજકોટ જિલ્લાના લોધિકામાં ૫૧૬ મી.મી. એટલે કે ૨૧ ઈંચ જેટલો, જૂનાગઢના વિસાવદરમાં ૪૬૮ મી.મી. એટલે કે ૧૯ ઈંચ જેટલો, કાલાવડમાં ૪૦૬ મી.મી. એટલે કે ૧૬ ઈંચ જેટલો અને રાજકોટમાં ૩૨૫ મી.મી. એટલે કે ૧૩ ઈંચ જેટલો વરસાદ વરસ્યા હોવાના અહેવાલો છે. 
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૧ને સવારે ૬.૦૦ કલાક સુધીમાં લોધિકા, વિસાવદર, કાલાવાડ અને રાજકોટમાં ૨૧ ઈંચથી ૧૬ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જયારે રાજ્યના ધોરાજી, જૂનાગઢ, જૂનાગઢ શહેર, કોટડાસાંગાણી, ગોંડલ, જામકંડોરણા, કપરાડા, પડધરી, ધરમપુર, રાણાવાવ, તાલાળા અને મેંદરડા મળી કુલ ૧૨ તાલુકાઓમાં ૧૦ ઈંચથી ૬ ઈંચ જેટલો નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. 
આ ઉપરાંત પોરબંદર, વઘઈ, માળિયા, વાપી, વંથલી, જામનગર, જામજોધપુર, ઉપલેટા, ધોલેરા, ધ્રોલ, ઉમરગામ, ડાંગ, માણાવદર, ભેસાણ, વાડિયા, લાલપુર, વાંસદા, ભાણવડ, કુતિયાણા અને કલ્યાણપુર મળી કુલ ૨૦ તાલુકાઓમાં છ ઈંચથી ચાર ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જ્યારે ૬૧ તાલુકાઓમાં ચાર ઈંચથી એક ઈંચ સુધી અને અન્ય ૯૯ તાલુકાઓમાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ સિઝનમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૯.૨૪ ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં ૮૦.૫૦ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૭૧.૧૪ ટકા, કચ્છ ઝોનમાં ૭૦.૩૬ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૫૭.૬૯ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૫૫.૧૩ ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.
ભારે વરસાદને કારણે ૧૪ સપ્ટેમ્બર ૨૦૨૧ને સવારે ૯.૦૦ કલાકની સ્થિતિએ રાજ્યના ૨૦૧ વિવિધ રસ્તાઓ બંધ થયા છે. જેમાં એક નેશનલ હાઈવે, ૧૮ સ્ટેટ હાઈવે, ૨૦ અન્ય માર્ગો, ૧૬૨ પંચાયતના માર્ગોનો સમાવેશ થાય છે. જેમાં બનાસકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, રાજકોટ, મોરબી, જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને પોરબંદર જિલ્લાઓના માર્ગો અસરગ્રસ્ત થયા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સંચાલિત એસ.ટી બસોના ૫૫ રૂટ બંધ કરાયા છે અને ૧૨૧ ટ્રીપો રદ કરાઈ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

SBI રજૂ કર્યા બે જરૂરી અલર્ટ કરોડો ગ્રાહકના ખાતા પર પડશે અસર