રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. આજે 6:00 થી 8:00 સુધીમાં રાજ્યના ૧૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન 156 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે કચ્છના અબડાસા માં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર અને ખેડાના કપડવંજમાં સવા ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. કચ્છના માંડવી, અરવલ્લીના બાયડ તેમજ ગીર સોમનાથના ના સુત્રાપાડામા એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
રાજ્યના ૭ તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે જ્યારે 29 તાલુકામાં અડધા ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે ગુરૂવારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ૧૭૩ મી.મી. એટલે કે ૭ ઈંચ જેટલો, કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં ૧૬૬ મી.મી., દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર,જૂનાગઢ જિલ્લાના માળિયા, ગિર સોમનાથ જિલ્લાના તાલાલામાં ૧૬૩ મી.મી. અને દેવભૂમિદ્વારકાના ખંભાળિયા તાલુકામાં ૧૫૮ મી.મી. મળી કુલ ચાર તાલુકામાં ૫ ઈંચથી વધુ વરસાદ વરસ્યા હોવાના અહેવાલો છે.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨ સપ્ટેમ્બર ૨૦૨૧ને સવારે ૬.૦૦ કલાક સુધીમાં ઉના તાલુકામાં ૧૨૪ મી.મી., પોરબંદરમાં ૧૨૩ મી.મી., રાણાવાવમાં ૧૦૮ મી.મી., જોડિયામાં ૧૦૨ મી.મી., ગિર ગઢડામાં ૧૦૧ મી.મી. અને વેરાવળમાં ૧૦૦ મી.મી. મળી કુલ ૬ તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
આ ઉપરાંત ગોંડલ,ચોટીલા, મુન્દ્રા, ગાંધીધામ, ઉંમરગામ, વઢવાણ, જામકંડોરણા અને લાલપુર મળી કુલ ૮ તાલુકાઓમાં ૩ ઈંચથી વધુ જ્યારે સુત્રાપાડા, ભાણવડ, સાયલા, ટંકારા, કોડિનાર, કુતિયાણા, કેશોદ, બાયડ, કાલાવાડ, મૂળી, કાલોલ, લોધિકા, ધ્રોલ, કોટડાસાંગાણી, માણાવદર, જામનગર, માંડવી, વાપી, ભૂજ, પડધરી, વાડિયા મળી કુલ ૨૨ તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય ૨૭ તાલુકાઓમાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ સિઝનમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૮.૬૫ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૪૪.૯૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૩૭.૭૮ટકા,પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૪૩.૪૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૭.૪૫ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૫૬.૧૪ ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.