રાજ્યમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. બીજી તરફ હવામાન વિભાગે પણ બે દિવસ વરસાદ પડવાની આગાહી આપી છે. આ ઉપરાંત તેઓએ ઓક્ટોબર મહિનામાં વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપારંત અધિક માસમાં વધારે ગરમી પડશે તેવું પણ તેમણે જણાવ્યું હતું. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આઠમી સપ્ટેમ્બરથી 14મી સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જે બાદમાં 18 સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર દરમિયાન વરસાદની આગાહી આપવામાં આવી છે. આ દરમિયાન 27 સપ્ટેબરથી પાંચમી ઓક્ટોમ્બર દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડશે. 7 સપ્ટેમ્બરથી 12 સપ્ટેમ્બર સુધીમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે. અંબાલાલ પટેલ ઉપરાંત હવામાન વિભાગે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સાથે સાઇક્લોનિક સરક્યુલેશનની અસરને પગલે બે દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે. બીજી તરફ સોમવારે સવારે પૂરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 40 તાલુકામાં વરસાદ પડ્યો છે. આંકડા પ્રમાણે જોઇએ તો સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના ગીર ગઢડામાં 1.68 ઇંચ માત્ર બે જ કલાકમાં ખાબક્યો છે. જ્યારે મહેસાણાનાં ઊંઝામાં 1.44 ઇંચ, મહેસાણાનાં ખેરાલુમાં 1.43 ઇંચ, પાટણનાં સિદ્ધપુરમાં 1.28 ઇંચ, સાબરકાંઠાનાં ઇડરમાં 1.12 ઇંચ, અરવલ્લીનાં ભિલોડામાં 24 એમએમ વરસાદ નોંધાયો છે.