ગુજરાતમાં વરસાદનું આગમન, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં લોકોને રાહત
, શનિવાર, 23 જૂન 2018 (12:07 IST)
ગુજરાતમાં શુક્રવારે મધ્ય ગુજરાતમાં વડોદરા અને આસપાસના વિસ્તારોમાં તેમજ ઉત્તર ગુજરાતમાં અંબાજી, સિદ્ધપુર અને દાંતા સહિતના પંથકમાં વાતાવરણ પલટાયા બાદ વરસાદી ઝાપટા પડ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સપ્તાહે સોમવાર અથવા મંગળવાર સુધીમાં દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થવાની શક્યતા છે. હાલ રાજ્યમાં અસહ્ય ઉકળાથી લોકો પરેશાન થઈ ગયા છે ત્યારે સૌની નજર આકાશ તરફ મંડાયેલી છે અને તમામ વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે.
હવામાન વિભાગે જાહેર કરેલી સેટેલાઈટ ઈમેજને જોતા સિસ્ટમ સક્રિય થઈ છે જો તે આગળ વધશે તો આગામી 48 કલાકમાં રાજ્યમાં વરસાદ પડે તેવી સંભાવના છે.શુક્રવારે મધ્ય ગુજરાતમાં વડોદરા શહેરમા વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શહેરના અલ્કાપુરી વિસ્તારમાં મધરાતે વરસાદ પડતા શહેરમાં ઠંડક પ્રસરી હતી. જો કે હજુ સુધી વરસાદી સિસ્ટમ બરોબર સક્રિય નહીં થઈ શકતા આ વર્ષે વરસાદ ખેંચાયો છે. ગુજરાતમાં સામાન્ય રીતે ૧૫ જૂન બાદ ચોમાસુ બેસી જાય છે. ઉત્તર ગુજરાતમાં અંબાજી ,હડાદ સહિત દાંતા પંથકમાં શુક્રવારે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો નોંધાયો હતો, જ્યાં સાંજના સુમારે આકાશમાં કાળડિબાંગ વાદળો ગોરંભાઈ જવા સાથે વાવાઝોડું શરૂ થઈ અંબાજી અને હડાદ વિસ્તારમાં ધીમી ગતિએ સામાન્ય વરસાદી ઝાપટું ખાબકયું હતું. બનાસકાંઠામાં ગરમીથી પ્રજાજનો આકુળ વ્યાકુળ બની ગયા છે. મોટાભાગના ખેડૂતોએ બાજરીનો પાક લઈ લીધો છે. સિદ્ધપુર વિસ્તારમાં શુક્રવારે સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવી હળવો પવન ફૂંકી એકાએક મેઘરાજાએ પધરામણી કરતા સમગ્ર વિસ્તારમાં ઠંડકની લહેર પ્રસરી ગઈ હતી. જ્યારે સમગ્ર વાતાવરણમાં ભીની માટીની મહેકે અહલાડક વાતાવરણ ઉભું કર્યું હતું.જ્યારે સિઝનના પહેલા વરસાદમાં જ છુટા છવાયા ઝાપટાથી જી.ઇ.બી ના મોન્સૂન પ્લાન નું સુરસુરીયું નીકળી જવા પામ્યું હતું અને વરસાદના આગમનથી જ સમગ્ર શહેરની લાઈટો ગૂલ થઈ ગઈ હતી. જ્યારે નાના ભૂલકાં સહિત યુવાનો પહેલા વરસાદ ની મજા માણવા રોડો ઉપર ઉતરી આવી વરસાદની મઝા માણી હતી.
આગળનો લેખ