સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં અંબાજી સાથે કચ્છનાં પણ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદી માહોલ સર્જાયો હતો અને અનેક જગ્યાએ માવઠું થયું હતું. હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા અને કચ્છનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જેના કારણે ઠંડીમાં પણ આંશિક ઘટાડો થઇ શકે છે. અંબાજી પંથકમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ચિંતાનાં વાદળો છવાયા છે.
હવામાન વિભાગનાં જયંત સરકારે જણાવ્યા પ્રમાણે, 'અત્યારે દક્ષિણ પૂર્વમાં એક સાયક્લોન સર્ક્યુલેશન છે. જેના કારણે બનાસકાંઠા અને કચ્છમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. અન્ય જિલ્લાઓમાં વરસાદની સંભાવના નથી. ગઇકાલે સૌથી ઓછું તાપમાન નલિયામાં 10.06 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બે દિવસ રાજ્યનું તાપમાન આવું જ રહેશે જ્યારે 13 તારીખથી તાપમાન નીચે ગગળશે. આ દરમિયાન પવનની દિશા પણ ઉત્તર તરફી થઇ જશે. અરબી સમુદ્રમાં જે સાયક્લોન થવાનું હતું તે જતું રહ્યું છે જેના કારણે હાલ માછીમારોને કોઇ ચેતવણી કરવામાં આવતી નથી.'ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષા અને ઠંડા પવનની અસરથી બુધવારે અમદાવાદનું લઘુતમ તાપમાન મંગળવાર કરતાં 1.6 ડિગ્રી ગગડીને 13.4 ડિગ્રી નોંધાયું હતું. ગત રવિવારે શહેરમાં 14.3 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. છેલ્લાં ત્રણ દિવસમાં બીજીવાર અમદાવાદમાં ઠંડીનો પારો ગગડતાં લોકોએ મંગળવાર રાતથી બુધવાર વહેલી સવાર સુધી ઠંડીનો અનુભવ કર્યો હતો.